Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટ શહેર-જીલ્લાના પ લાખ ૮ર હજાર APL-1 કાર્ડ હોલ્ડરોમાંથી ૧ લાખ ૯૬ હજાર દુકાને નો ફરકયા!!

જેમણે લાભ નથી લીધો તેવા એપીએલ-૧ કાર્ડ હોલ્ડરોને APL-2 માં મુકાય તેવી શકયતા... : શહેર-જીલ્લો થઇને ૬૬ ટકા મધ્યમ વર્ગે લાભ લીધોઃ રાજકોટનો ૬૩ ટકા વર્ગ સસ્તા અનાજની દુકાને ગયો...

રાજકોટ તા. ર૭: હાલ બીપીએલ-અંત્યોદય કાર્ડ હોલ્ડરોને વિના મૂલ્યે સસ્તા અનાજની દુકાનો ઉપરથી પુરવઠો અપાઇ રહ્યો છે. દરમિયાન બે વખત એપીએલ-૧ કાર્ડ હોલ્ડરોને પણ મફત પુરવઠો અપાયો છે, પ્રથમ વખત રાજકોટ શહેર-જીલ્લાના કુલ પ લાખ ૮ર હજારથી વધુ APL-1 હોલ્ડરોમાંથી ૭૦ ટકા આસપાસના લોકોને સસ્તા અનાજની દુકાનેથી વિના મુલ્યે ઘઉં, ચોખા, ખાંડ મેળવવાનો લાભ લીધો હતો, પરંતુ હમણા બીજી વખત ૬ દિવસ ૧૦ થી ૧પ મે દરમિયાન વિતરણ કરાયું તેમાં શહેર-જીલ્લો થઇને ૬૬.૩પ ટકા મધ્યમ વર્ગ સસ્તા અનાજની દુકાને ગયો હતો, તેમાં રાજકોટ શહેરના ૪ ઝોન થઇને ૬૩ ટકા વર્ગે લાભ લીધાનું પુરવઠાની બનેલી આંકડાકીય વિગતમાં બહાર આવ્યું હતું.

વિગતો મુજબ આ વખતે કુલ પ લાખ ૮ર હજારમાંથી ૧ લાખ ૯૬ હજાર કાર્ડ હોલ્ડરો સસ્તા અનાજની દુકાને માલ લેવા ફરકયા જ નથી, આટલો જથ્થો પડતર રહ્યો. આ બધા APL-1 કાર્ડ હોલ્ડરો છે.

આ બધા બંને વખત માલ લેવા ગયા જ નથી, પરંતુ આવે છે મધ્યમ વર્ગની કેટેગરીમાં, આવો આંકડો રાજયભરમાં લાખો ઉપર થવા જાય છે, પરીણામે રાજયનું પુરવઠા ખાતુ રાજકોટના આ ૧ લાખ ૯૬ હજાર સહિત આવા લાખો APL-1 કાર્ડ હોલ્ડરો કે જેઓ સસ્તા અનાજની દુકાને ગયા જ નથી, તેવાને એપીએલ-ર ની કેટેગરીમાં મુકવા ગંભીરપણે વિચારી રહ્યું છે, જો કે હજુ સુધી પુરવઠા ખાતાએ કોઇ જીલ્લાને આવી સૂચના કે પરીપત્ર આપ્યો નથી, પરંતુ ૩ થી ૪ દિવસમાં આ બાબતે નિર્ણય લેવાય જશે તેમ આધારભૂત સૂત્રો ઉમેરી રહ્યા છે.

(3:47 pm IST)