Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

એઇમ્સ માટે ત્રીજી વખત ડીઝાઇન ફરી : રૂડામાં સબમીટ હવે મુખ્ય એન્ટ્રી ૯૦ મીટરના રસ્તા પરથી ફાઇનલ કરાઇ

ત્રીજી વખત ડીઝાઇન ફરતા આખો પ્રોજેકટ વિલંબમાં પડે તેવી શકયતા : દિલ્હીથી લે-આઉટ પ્લાન આવ્યો : કમ્પાઉન્ડ વોલ બનાવવાનું શરૂ : ખંઢેરીની ૪૦ એકર જમીન પણ એઇમ્સને આપવા સરકારમાં દરખાસ્ત

રાજકોટ તા. ૨૭ : રાજકોટની ભાગોળે એઇમ્સ બનાવવાની જાહેરાત થઇ છે, હાલ ૧૬૦ એકર જમીન ઉપર કમ્પાઉન્ડ વોલ જમીન સમથળનું કામ શરૂ કરાયું છે, પરંતુ આ વખતે ત્રીજી વખત એઇમ્સની ડીઝાઇન ફરી છે, પહેલા જમીન બાબતે, બાદમાં મુખ્ય એન્ટ્રી બાબતે અને હવે આ વખતે ત્રીજી ડીઝાઇન આખો લે-આઉટ પ્લાન દિલ્હીથી આવ્યો છે.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ત્રીજી વખત ડીઝાઇન ફરતા આખો ૧૨૦૦ કરોડનો પ્રોજેકટ વિલંબમાં પડે તેવી શકયતા છે, હાલ ત્રીજી વખતની ડીઝાઇન લે-આઉટ પ્લાન મેડીકલ અધિકારીઓએ રૂડામાં સબમીટ કરી દિધો છે, રૂડામાંથી મંજૂર થયે કામ આગળ વધશે, જો કે કમ્પાઉન્ડ વોલનું કામ ગતિમાં આવ્યું તે સારી બાબત છે.

સાધનોએ ઉમેર્યું હતું કે, હવે પરાપીપળીયાની જમીનમાં એઇમ્સ બનનાર હોય, તેમાં ખંઢેરીની ૪૦ એકર જમીન કે જે સરકારી છે તે એઇમ્સ માટે સોંપી દેવા સરકારમાં દરખાસ્ત થઇ છે, જ્યાંથી મંજૂરી મળ્યે ત્યાં પણ કમ્પાઉન્ડ વોલ બાંધવાનું શરૂ કરાશે.

દરમિયાન એઇમ્સ માટે હવે મુખ્ય એન્ટ્રી જામનગર હાઇવે ઉપરથી નહિ થાય પરંતુ પરાપીપળીયા - મોરબી રોડ - માલીયાસણને જોડતા ૯૦ મીટરના રસ્તા ઉપર એન્ટ્રી ફાઇનલ કરાઇ છે, ત્રીજી વખત આવેલી ડીઝાઇનમાં આ બાબત આવરી લેવાઇ છે.

આ ૯૦ મીટરના રસ્તા - એન્ટ્રી અંગે ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું અને હવે ટુંક સમયમાં એઇમ્સની ટીમ આવે તેવી શકયતા છે.

(3:46 pm IST)