Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટ NCC ગ્રુપ દ્વારા વિવિધ કચેરી - ડોકટરોને ૨૦૦૦ માસ્કનું વિતરણ

રાજકોટ : કોઇપણ ડીઝાસ્ટર કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા તત્પર રહેતી અને પોલીસ તથા આર્મી સાથે ખંભેખંભા મીલાવી રાત દિવસ ફરજ બજાવતી તથા શહેરના વિવિધ ગર્લ્સ - બોયઝને તાલીમ આપતી રાજકોટની નેશનલ કમાન્ડો કેડેટ - NCC જૂથે આજે એક સેવાકીય પ્રવૃત્તિઓમાં શહેરની વિવિધ સરકારી કચેરી અને ડોકટરોને કાપડમાંથી બનાવેલ ૨ હજાર જેટલા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આજે સવારે ડીએચ કોલેજ કેમ્પસમાં આવેલ રાજકોટ NCCની ઓફિસ - ટ્રેનીંગ સેન્ટર ખાતે યોજાયેલ સમારંભમાં આ માસ્ક અપાયા હતા. તસ્વીરમાં ડાયસ ઉપર બેઠેલા ઉપસ્થિત મહાનુભાવો, પોલીસ અધિકારીઓ, ડીઝાસ્ટરના અધિકારી તથા ડોકટર નજરે પડે છે. પ્રારંભમાં NCC રાજકોટના કમાન્ડન્ટશ્રી તુષાર જોષી ઉદ્બોધન કરતા જણાય છે, નીચેની તસ્વીરમાં કર્નલ શ્રી કમલ કિશોરસિંઘ, સુબેદાર શ્રી અમીન દ્વારા વિવિધ સરકારી કચેરીના અધિકારીઓને વિનામૂલ્યે માસ્કના પેકેટોનું વિતરણ કરતા જણાય છે, આ માસ્ક NCCના ગર્લ્સ - બોયઝ કેડેટોએ ૮ દિ'માં બનાવ્યાનું ઉમેરાયું હતું. આજે NCC દ્વારા ડીઝાસ્ટરના અધિકારી શ્રી પ્રિયંકસિંઘ, ઇન્ડીયન મેડીકલ એસો.ના વાઇસ પ્રેસીડન્ટ ડો. હિરેન કોઠારી, હેડ કવાર્ટરના અધિકારી, આરએમસીના જીતેશ રાઠોડ, પીડબલ્યુડીના ગંભીરભાઇ, આરએમસીના જાદવભાઇ, શ્રી અરવિંદભાઇ, ગ્રોસરીના શ્રી રવિભાઇ તથા હાઉસકીપર શ્રી નારોલા ધવનને માસ્કનું વિતરણ કરાયું હતું. આ તકે ઉપસ્થિત તમામે NCCના આ કાર્યની પ્રશંસા કરી આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:41 pm IST)