Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

શહેરમાં અધુરા પડેલા વિકાસકામો ચોમાસા પૂર્વે આગળ ધપાવવા કવાયત : રિવ્યુ મીટીંગ

૩૧મીએ વિવિધ ટેન્ડરોની મુદ્દત પૂર્ણ થઇ રહી છે ત્યારે ૩૦મી જૂને ફરી રિવ્યુ મીટીંગ યોજીને નવા કામો શરૂ કરવા નિર્ણય લેવાશે : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૨૭ : મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે આજરોજ કોન્ફરન્સ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક રીવ્યુ મીટિંગ યોજવામાં આવી હતી.

આ મીટિંગ વિશે કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના હાલ જે કામો પ્રગતિમાં છે તે ફુલ ફોર્સથી ઝડપભેર આગળ ધપાવી વહેલીતકે અપેક્ષિત તબક્કા સુધી પહોંચાડવા સંબંધિત તમામ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિવિધ કામોના ટેન્ડરની મુદ્દત તા. ૩૧-૦૫-૨૦૨૦ ના રોજ પૂર્ણ થઇ રહી છે, તેમજ હાલમાં લોકડાઉનનો તબક્કો પણ ચાલી રહ્યો છે, જે ધ્યાનમાં રાખીને આગામી તા. ૩ જૂનના રોજ આ સમગ્ર બાબતે રીવ્યુ કરવામાં આવશે. જયારે જે કામો હજુ શરૂ નથી થયા તેવા કામોને આગામી વરસાદની સીઝનને ધ્યાનમાં રાખતા આવશ્યક નિર્ણય કરવામાં આવી રહયા છે.

કમિશનરના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમ્યાન લોકોને મુશ્કેલી ન પડે તેને નજર સમક્ષ રાખી હાલ જે કામો ચાલુ છે તે આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા કે સાનુકુળ સ્ટેજ સુધી લઇ જવા મહાનગરપાલિકા ગંભીરતાથી આગળ ધપી રહી છે. 

આ મિટીંગમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:40 pm IST)