Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

શહેરના ૧૧ વોર્ડોમાં વિકાસકામો શરૂ

રસ્તા, ગટર, પાણીની પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય : મેયર, સ્ટે. ચેરમેન, બાંધકામ ચેરમેન, ડ્રેનેજ ચેરમેનની જાહેરાત

રાજકોટ તા. ૨૭ : મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા તથા ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, એક સયુંકત યાદીમાં જણાવે છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને તા.૨૫ માર્ચથી સમગ્ર દેશમાં તબક્કાવાર ત્રણ વખત લોકડાઉન આપવામાં આવેલ. લોકડાઉનના કારણે મંજુર થયેલ જુદા જુદા વિકસના કામો બંધ હતા. તા.૧૭ મેથી દેશમાં તા.૩૧ મે સુધીનું ૪થું લોકડાઉન આપવામાં આવેલ. પરંતુ આ લોકડાઉનમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા ધંધા-રોજગાર, ઉદ્યોગો, જુદા જુદા વિકાસ કામો વિગેરેને શરતી છુટછાટ આપવામાં આવેલ. આ ઉપરાંત શ્રમિકો પણ પોતાના વતન જઈ રહ્યા છે.

લોકડાઉન પહેલા શહેરના જુદા જુદા વિકાસ કામો મજુર થયેલ છે. તેને શરૂ કરવા એજન્સીઓને નોટીસો આપવામાં આવેલ. જેના અનુસંધાને એજન્સીઓ મારફત વિકાસ કામનો પ્રાંરભ કરવામાં આવેલ છે.

વેસ્ટઝોનના વોર્ડ નં.૧માં રૈયાધાર રોડ પર પેવિંગ બ્લોક, રૈયાધાર પાસેના રસ્તાનું મેટલીંગ કામ, વોર્ડ નં.૮માં આમ્રપાલી ફાટક અન્ડરબ્રિજ અંતર્ગત ડ્રેનેજ લાઈનની સિફટીંગ, સત્યસાંઈ રોડ પર પેવિંગ બ્લોકનું કામ, વોર્ડ નં.૯માં નવો બનનાર કોમ્યુનિટી હોલની કામગીરી, વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ રોડ વોકર્સઝોનની કામગીરી શરૂ, વોર્ડ નં.૧૧/૧૨માં ગુરુકુળ પર જતો રોડ સી.સી. રોડ બનવાના અંતર્ગત સ્ટ્રોમવોટર લાઈન નાખવાની કામગીરી ચાલુ, વોર્ડ નં.૧૧માં ટી.પી.સ્કીમ નં.૨૬,૨૭,૨૮ના વિસ્તારમાં પાણીની ડી.આઈ. પાઈપલાઈનની કામગીરી શરૂ, આ ઉપરાંત વોર્ડ નં.૧૨માં અમૃત હેઠળ ડ્રેનેજના પાઈપલાઈનની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તેમજ વેસ્ટઝોનમાં પેચવર્કના કામ શરૂ કરવામાં આવેલ છે.

સેન્ટ્રલઝોન વોર્ડ નં.૨માં સને ૨૦૧૯-૨૦ના એકશનપ્લાનના બાકી રહેલ પેવર કામ શરૂ કરવામાં આવેલ છે. જેમાં શ્રીજી નગરમાં ડામર રી-કાર્પેટની કામગીરી શરૂ, ત્યારબાદ રજાનગર, નહેરૂ નગરની તમામ શેરીઓ અને સુભાષનગર પાર્ટમાં, સત્યપ્રકાશ સ્કુલવાળો રસ્તો, હરીધામ સોસાયટી મોચીનગર-૦૨ પાર્ટમાં ડામર રી-કાર્પેટ કરવામાં આવશે. તેમજ ટી.પી. સ્કીમ નં.૦૯ના ૧૫.૦૦મી, ૧૨.૦૦મી અને ૯.૦૦મી ટી.પી. રસ્તાઓ ડેવલપ કરવાનું કામ શરૂ તથા શીતલ પાર્ક ૧૮.૦૦મી. ટી.પી.મી રોડથી જામનગર રોડને જોડતા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ ડેવલપ કરવાનું કામ ટુંક સમયમાં શરૂ થશે. વોર્ડ નં.૩ રેલનગર મેઈન રોડ પર વરસાદી પાણીના પાઈપલાઈનની કામગીરી કાર્યરત, તેમજ ગુરુદ્વારા પાછળ વોંકળામાં સ્લેબકવર્ડ, સ્લમ કવાર્ટરની શેરીઓમાં સી.સી. તેમજ રબ્બર મોલ્ડનું કામ, મિયાણાવાસમાં સી.સી માટેના કામ, ટી.પી.સ્કીમ નં.૨૩-૨૪ના બાકી રહેતા રસ્તાઓનું મેટલીંગ વિગેરે કામો ૨-૩ દિવસમાં શરૂ થનાર છે. વોર્ડ નં.૧૩માં નવલનગર વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈનની કામગીરી તેમજ સેન્ટ્રલઝોનમાં પેચવર્કના કામો શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ સને ૨૦૧૯-૨૦માં બાકી રહેલ એકશનપ્લાનના કામો શરૂ કરાશે.

ઈસ્ટઝોનમાં વોર્ડ નં.૦૪માં ચરેળાના કામો, વોર્ડ નં.૦૫માં છપ્પન માળિયા કવાર્ટરમાં, શકિત સોસાયટીમાં ડ્રેનેજ લાઈન તથા મેટલીંગ કામ, વોર્ડ નં.૧૫માં ગંજીવાળા ભાવનગર રોડથી ચુનારાવાળ પમ્પીંગ સ્ટેશન સુધી ડ્રેનજ લાઈન, આજીડેમ ઓવરફલોની બાજુમાં બનનાર બગીચાનું સિવિલ કામ, વોર્ડ નં.૧૮ કોઠારીયા રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પંચનાથ રીઅલ હોમમાં ડ્રેનેજનું કામ, કોઠારીયા વિસ્તારમાં સંતોષપાર્ક, શિવધામ સોસાયટી, પટેલ પાર્ક, કૈલાશ પાર્ક, સોમનાથ પાર્ક, શ્યામ પાર્ક, વિગેરેમાં મેટલીંગ કામ તેમજ ઢેબર રોડના બન્ને સાઈડના પડખામાં મેટલીંગ કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં પેચવર્કના કામ શરૂ થયેલ છે.

(3:39 pm IST)