Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કર્ફયુ સહી, સખતાઇ નહિ : હળવાશથી રોજીંદી પ્રવૃત્તિમાં લાગવા પોલીસ - વહિવટી તંત્રને સૂચના

જાહેરનામા ભંગ અને વાહન જપ્તીના કેસ ઘટયા : હકારાત્મક માહોલ તરફ ગતિ

રાજકોટ તા. ૨૭ : રાજ્યમાં છેલ્લા બે મહિનાથી વધુ સમયથી લોકડાઉનની પરિસ્થિતિમાં વહિવટી તંત્ર અને પોલીસ તંત્રની કસોટી થઇ ગયેલ. અત્યારે લોકડાઉન ૪ નો સમયગાળો ચાલું છે. ૩૧મી પછી નવુ લોકડાઉન આવશે અથવા સંપૂર્ણ લોકડાઉન હટાવી લેવાશે. કેન્દ્ર સરકારના આવનારા નિર્ણયની કોઇને જાણ નથી પરંતુ રાજ્ય સરકાર સંપૂર્ણ વાતાવરણ હળવાશ તરફ લઇ જવા માગે છે. કર્ફયુનો અમલ થાય પરંતુ સખતાઇ ન થાય તે રીતે જોવા અને અન્ય રોજિંદા કામમાં પોરાવવા સરકારે પોલીસ તંત્ર અને વહિવટી તંત્રને નિર્દેશ આપી દીધા છે.

રાજ્યમાં લોકડાઉનના સમયગાળામાં જાહેરનામા ભંગના બે લાખથી વધુ કેસ થયા છે અને અઢી લાખથી વધુ વાહનો જપ્ત થયેલ. લોકડાઉનના વાતાવરણથી લોકો કંટાળો અનુભવતા હતા. છેલ્લા દશેક દિવસથી સરકારે ખાસ્સી છૂટછાટ આપતા લોકો હળવાશ અનુભવી રહ્યા છે. દુકાનો ખુલી અને બંધ રખાવાની બાબતમાં નિયમનું કડકાઇથી પાલન થઇ રહ્યું છે. અન્ય બાબતોમાં પોલીસનું ઉદાર વલણ દેખાય છે. જાહેરનામા ભંગ અને વાહન જપ્તીના કેસમાં નોંધાયેલો ઘટાડો સૂચક છે.

કોરોનાની વચ્ચે રહીને જ જીવવાનું છે તે બાબત સરકારે અનેક વખત સ્પષ્ટ કરી દીધી છે. એટલે હવે સરકારના જુદા જુદા વિભાગોને રાબેતા મુજબની કામગીરીમાં ધ્યાન કેન્દ્રીત કરવા જણાવી દેવામાં આવ્યું છે.

નકારાત્મક માહોલમાંથી સંપૂર્ણ હકારાત્મક માહોલ તરફ સરકાર ગતિ કરાવવા માગે છે. આગામી દિવસોમાં વધુ છુટછાટો આવી રહી છે.

(3:25 pm IST)