Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ગરીબો, ખેડૂતો, શ્રમિકો, મધ્યમ વર્ગને કેશડોલ્સ આપો

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશને નાણામંત્રી સિતારામનને પત્ર લખી કરી માંગણી : જો લોકોના હાથમાં રોકડ રકમ આવશે તો જ તેઓની ખરીદ શકિત વધશે અને અર્થતંત્રને ફાયદો થશે

રાજકોટ, તા. ૨૭ :. સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશન એટલે કે સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે નાણામંત્રી નિર્મલા સિતારામનને એક પત્ર લખી આર્થિક રાહત પેકેજ આપવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યુ છે કે સરકારે જાહેર કરેલા પેકેજથી સપ્લાય સાઈડ ઉપર બહુ અસર પડી નથી. ઘરેલુ ગ્રાહકોની સ્થિતિ સુધરે તેવા કોઈ પગલા હજુ લેવાયા નથી તેથી આર્થિક મોરચે કોઈ સુધારો થયો નથી.

તેમણે જણાવ્યુ છે કે આપણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશડોલ્સ આપવામાં આવે તો જ સ્થિતિ સુધરી શકે અને બજારમાં ડિમાન્ડ નિકળે. અનેક દેશોએ આવુ પગલુ લીધુ છે. અર્થશાસ્ત્રીઓએ પણ આવુ જ કહ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે ભારતના ગરીબો, ખેડૂતો, શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકોને કેશડોલ્સ મળે તો જ તેઓનો ઉધ્ધાર થઈ શકે તેમ છે. જો રોકડ હાથમા અપાઈ તો જ ખરીદ શકિત નીકળશે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે એમએસએમઈ માટે જાહેર કરવામાં આવેલા ૩ લાખ કરોડના રાહત પેકેજમાં કોલેટરેલ સિકયુરીટી વગર લોન આપવાની વાત છે. બેન્કો આ સેકટરને મોટી રકમની લોન આપે તેવી શકયતા નથી. ડિમાન્ડ નહિ હોવાથી અનેક એમએસએમઈ બેન્ક પાસે લોન લેવા જશે જ નહિ તેથી ડિમાન્ડના મોરચે અનેક પગલા લેવાની જરૂર છે. તેમણે નાણામંત્રીને આ બાબતે ઘટતુ કરવા જણાવ્યુ છે.

(11:28 am IST)