Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ખુરશીને પાટુ મારી ગોવિંદબાપાને પછાડી દીધા, સગર્ભા નનકીબેગમે હાથ પકડ્યા અને તેના પતિ અલીએ ગળાફાંસો દઇ પતાવી દીધા

મોરબી રોડ ગણેશનગરના વણકર વૃધ્ધની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકમાં ઉકેલાયોઃ યુપીનું મુસ્લિમ દંપતિ સકંજામાં : રવિવારે રાતે એકાદ વાગ્યે હત્યા નિપજાવી લાશને પડતર બારદાનના ઢગલા નીચે છુપાવી પતિ-પત્નિ ઘરે જઇ આરામથી સુઇ ગયા'તા : બારદાનગલીમાં ચોકીદારી કરતાં વૃધ્ધ લોકડાઉનને કારણે મોટે ભાગે ત્યાં જ સુઇ રહેતાઃ સોમવારે સવારે જોવા ન મળતાં કોઇએ તેમના ઘરે તપાસ કરતાં શોધખોળ શરૂ કરી'તીઃ સાંજે કોથળા નીચેથી હત્યા કરાયેલી લાશ મળતાં અરેરાટી : પત્નિ હાજતે જતી ત્યારે બાપા ખરાબ છુપાઇને જોતાં હતાં: સમજાવ્યા છતાં ન સમજતાં અંતે પ્લાન ઘડી પતાવી દીધાઃ મુળ યુપીના અલીમહમદ સાઇનું રટણ : એએસઆઇ ચેતનભાઇ ચાવડા, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, કરણભાઇ મારૂ તથા નગીનભાઇ ડાંગરની બાતમી પરથી સફળતા

કોથળાના ઢગલા નીચેથી કોહવાઇ ગયેલી લાશ કાઢી રહેલા પોલીસ અધિકારી, કર્મચારીઓ અને બહાર કાઢવામાં આવેલી લાશ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

વિગતો આપી રહેલા એસીપી જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ ધાખડા, પીએસઆઇ જોગરાણા તથા સમગ્ર ટીમ (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: મોરબી રોડપ ર ગણેશનગર-૩માં રહેતાં અને લાતી પ્લોટ નજીક બારદાન ગલીમાં આવેલા ગોડાઉનોની ચોકીદારી કરતાં વણકર વૃધ્ધ ગોવિંદભાઇ ભાદાભાઇ ચાવડા (ઉ.વ.૬૫) સોમવારે સવારે ગૂમ થયા બાદ ગઇકાલે સાંજે તેમની  કોહવાઇ ગયેલી લાશ જુના પડતર બારદાનના ઢગલા નીચેથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં જ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું. ક્રાઇમ બ્રાંચે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખી યુપીના મુસ્લિમ શખ્સ અને તેની સગર્ભા પત્નિને સકંજામાં લીધી છે. આ શખ્સે કબુલાત આપી હતી કે તેની પત્નિ કુદરતી હાજતે જાય ત્યારે ગોવિંદબાપા ખરાબ નજર કરતાં હતાં. સમજાવ્યા છતાં ન સમજતાં અંતે રવિવારે કાટો કાઢી નાંખ્યો હતો.

લાશ મળ્યાની જાણ થતાં જ પોલીસની ટીમો દોડતી થઇ ગઇ હતી અને એ દરમિયાન ક્રાઇમ બ્રાંચને મહત્વની બાતમી મળતાં બે-ત્રણ શકમંદોને ઉઠાવી લેતાં હત્યારાની કડી મળી ગઇ હતી. આ હત્યા મુળ યુ.પી.ના સરવસ્તી જીલ્લાના હાલ મોરબી રોડ રાજેશ મીલ પાછળ કૈલાસ બારદાન કંપની પાસે રહેતાં અને બારદાનના કારખાનામાં મજૂરી કરતાં અલીમહમદ છોટુઅલી સાંઇ (મુસ્લિમ) (ઉ.વ.૨૮)એ પોતાની સગર્ભા પત્નિ નનકીબેગમ (ઉ.વ.૨૪) સાથે મળીને કર્યાનું ખુલ્યું હતું.

ગઇકાલે સાંજે મોરબી રોડ બારદાન ગલીમાં પડતર કોથળાના ઢગલા નીચેથી અત્યંત દૂર્ગંધ આવતી હોઇ અને કૂતરૂ આટાફેરા કરતું હોઇ કોઇએ તપાસ કરતાં કોથળા નીચેથી લાશ મળી આવી હતી. બી-ડિવીઝન પોલીસને જાણ થતાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ ડામોર, પીએસઆઇ ઝાલા, પીએસઆઇ જાડેજા, ક્રાઇમ બ્રાંચના એચ. એમ. ગઢવી, એસઓજીના આર.વાય. રાવલ, તેમજ ડી. સ્ટાફના વિરમભાઇ ધગલ, મનોજભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો. ગઇકાલે સવારે જ ગણેશનગર-૩માં રહેતાં દિપકભાઇ ચાવડા નામના વણકર યુવાને પોતાના પિતા ગોવિંદભાઇ ભાદાભાઇ બારદાન ગલીમાં ચોકીદારી કરતાં હોઇ ત્યાંથી ગુમ થયાની અને તેની સાઇકલ તથા ચપ્પલ ત્યાંથી જ મળી આવ્યાની પોલીસને જાણ કરી હોઇ પોલીસે આ લાશ ગોવિંદભાઇની હોવાની શંકાએ તપાસ કરાવતાં લાશ તેમની જ હોવાનું સ્પષ્ટ થયું હતું.

કોથળા નીચે લાશ સતત દટાયેલી રહી હોવાથી અને ખુબ તડકો પડ્યો હોવાથી કોહવાઇ ગઇ હોય તેવી થઇ ગઇ હતી. ગળા પર ફાંસો દેવામાં આવ્યા હોવાના નિશાન પણ પ્રાથમિક દ્રટીએ જોવા મળ્યા હતાં. લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાવમાં આવી હતી. જે આજે સવારે કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ સહિતના અધિકારીઓએ તાકીદે ભેદ ઉકેલવા સુચના આપતાં ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો તથા બી-ડિવીઝન ડી. સ્ટાફની ટીમો કામે લાગી ગઇ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ  એચ. એમ. ગઢવી, એસઓજીના પીઆઇ આર. વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, એચ. બી. ધાંધલ્યા, યુ. બી. જોગરાણા, એસ. વી. સાખરા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, મહિલા કોન્સ. તોરલબેન જોષી સહિતની ટીમો કામે લાગી હતી. આ દરમિયાન એએસઆઇ ચેતનભાઇ ચાવડા, મહેશભાઇ મંઢ અને નિશાંતભાઇ પરમાર તેમજ નગીનભાઇ ડાંગરને ચોક્કસ બાતમી મળી હતી કે રવિવારે ઘટના સ્થળ નજીક મોડી રાત સુધી ખાટકીવાસનો એક શખ્સ હાજર હતો. તેને ઉઠાવી લઇ પુછતાછ કરવામાં આવતાં તેણે પોતે નીકળ્યો ત્યારે મુળ યુ.પી.નો હાલ રાજેશ મીલ પાછળ રહેતો હિરેનભાઇ શેઠના કોથળાના કારખાનામાં કામ કરતો અલીમહમદ છોટુઅલી સાંઇ ત્યાં આવ્યો હોવાનું કહેતાં તેને ઉઠાવી લેવાયો હતો. આ શખ્સ સીસીટીવીમાં પણ દેખાતાં શંકા દ્રઢ બની ગઇ હતી.

અલીમહમદે પહેલા તો પોતે અજાણ હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ પોલીસની વિશીષ્ટ ઢબની પૂછતાછ થતાં જ તે 'પોપટ' બની ગયો હતો. તેણે કબુલ્યું હતું કે મારી પત્નિ નનકીબેગમ જ્યારે પણ કુદરતી હાજતે જવા નીકળતી ત્યારે ગોવિંદબાપા તેના પર ખરાબ નજર કરતાં હતાં. મને તેની જાણ થતાં મેં તેને અગાઉ સમજાવ્યા હતાં. પરંતુ  આમ છતાં તે સમજ્યા નહોતાં આથી મને ગુસ્સો આવ્યો હતો અને રવિવારે મોડી રાતે હું અને મારી પત્નિ નનકીબેગમ બાપા જ્યાં ચોકીદારી કરે છે ત્યાં પહોંચ્યા હતાં. તેની ખુરશીને પાટુ મારી પછાડી દીધા હતાં. એ પછી મારી પત્નિએ તેના હાથ  પકડી રાખ્યા હતાં અને મેં દોરી તેના ગળામાં વીંટાળી ફાંસો દઇ દીધો હતો. તેનું મોત થયાની ખાત્રી કર્યા બાદ લાશને ત્યાંના પડતર કોથળાના ઢગલા નીચે છુપાવી દીધી હતી અને બાદમાં અમે બંને ઘરે જઇ સુઇ ગયા હતાં!

અલીમહમદે જણાવેલુ કારણ જ હત્યા પાછળ કારણભુત હોવાનું હાલ બહાર આવ્યું છે. આમ છતાં પોલીસ વિશેષ તપાસ કરી રહી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધી તેમજ કોરોના રિપોર્ટ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે.

હત્યા કરનાર અલીમહમદને સંતાનમાં એક છએક વર્ષનો દિકરો છે અને હાલમાં તેની પત્નિ સગર્ભા પણ છે. પોતાની સાથે હત્યામાં સગર્ભા પત્નિને પણ તેણે સામેલ કરી હતી. આગળની તપાસ માટે બંને આરોપીનો કબ્જો બી-ડિવીઝન પોલીસ સંભાળશે. પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, ચંદ્રસિંહ, વિજયગીરી, પીએસઆઇ ઝાલા, પીએસઆઇ ડામોર, વિરમભાઇ સહિતનો સ્ટાફ આગળની તપાસ કરશે.

અલીની પત્નિને અગાઉ એક શખ્સે આઇ લવ યુ કહ્યું હોઇ એ શખ્સને પણ હત્યામાં ફસાવવા પેંતરો રચ્યો'તો

. બાતમી પરથી ક્રાઇમ બ્રાંચની ટીમ સોૈ પહેલા અલીમહમદને ઉઠાવી લાવી હતી અને પુછતાછ શરૂ કરી હતી. આ વખતે અલીએ ગલ્લા તલ્લા કર્યા બાદ હત્યાની કબુલાત આપી હતી અને પોતાની સાથે ભગવતીપરાના સિકંદર નામનો શખ્સ પણ મદદગારીમાં હોવાનું કહેતાં પોલીસ તેને પણ ઉઠાવી લાવી હતી. જો કે સિકંદર હત્યામાં સામેલ નહિ હોવાનું ખુલ્યું હતું. અગાઉ અલીની પત્નિને સિકંદરે આઇ લવ યુ કહ્યું હોઇ તે કારણે અલીએ તેને પણ ફસાવવા પેંતરો રચ્યો હતો. પણ સફળતા મળી નહોતી.

ગોવિંદભાઇ બે પુત્ર અને બે પુત્રીના પિતાઃ પત્નિનું નામ આલુબેન

. હત્યાનો ભોગ બનેલા ગોવિંદભાઇને સંતાનમાં બે પુત્રી મંજુબેન, પ્રભાબેન તથા બે પુત્ર હસમુખભાઇ અને દિપકભાઇ છે. તેમના પત્નિનું નામ આલુબેન ઉર્ફ રામુબેન છે. પોતે એક બહેનથી મોટા હતાં અને ઘરનો આધાર હતાં. લોકડાઉનને કારણે તેઓ મોટે ભાગે ચોકીદારી કરતાં ત્યાં જ સુઇ રહેતાં હતાં. સવારે ઘરે ન્હાવા માટે જતાં હતાં. સોમવારે સવારે ન જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને ગત સાંજે લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

અલીએ રાતે ૧૧:૦૬ મિનિટે સીસીટીવી કેમેરો તોડી નાંખ્યો અને ૧વાગ્યે હત્યા કરી

. હત્યાનો પ્લાન પાર પાડવા અલીમહમદે પહેલા ઘટના સ્થળ નજીક સીસીટીવી કેમેરો હતો તે રાતે ૧૧:૦૬ મિનીટે તોડી નાંખ્યો હતો અને બાદમાં રાતે એક વાગ્યે ગોવિંદભાઇની હત્યા કરી હતી. એ પછી પત્નિ નનકીબેગમની મદદથી લાશને ઢસડીને નજીકના કોથળાઓના ઢગલામાં છુપાવી દીધી હતી.

(3:37 pm IST)