Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રવિવારે અર્ધા રાજકોટમાં વહેલી સવારે ૬ વાગ્યાથી વીજ પૂરવઠો બંધ થઇ જશેઃ ૬૬ કેવી સબ સ્ટેશન બંધ કરાશે!!

યુનિ.રોડ ૬૬ કેવી સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર ફેરવવાનું હોય પાવર બંધ કરી દેવાની થઇ રહેલી કાર્યવાહીઃ જેટકો દ્વારા બંધ કરાશેઃ આ કામગીરી શીયાળામાં પણ થઇ શકેઃ મુખ્યમંત્રી રહે છે તે વિસ્તાર પણ લાઇટ વિહોણો બની જશેઃ વીજ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર સુધી જાણકારોએ દોરડા ધણધણાવ્યા ! ભારે દેકારો

રાજકોટ તા. ર૪ : પીજીવીસીએલ તંત્ર દ્વારા રવિવાર તા. ર૯ ના રોજ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ સબસ્ટેશન બંધ રાખવામાં આવનાર છે. તંત્રના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કીડની હોસ્પીટલ પાસે આવેલ ૬૬ કેવી સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી કરવાની હોય રવિવારે સવારે ૬ વાગ્યા આસપાસથી બપોરે ૧ર-૩૦ થી ર સુધી વિજ પુરવઠો બંધ રહેશે.

વિજ પુરવઠો બંધ રહેવાથી યુનિર્વસિટી રોડ અને તેની ઉપર મુંજકા તરફનો વિસ્તાર, કાલાવડ રોડ, કોટેચા ચોક સુધીમાં આવેલ આખા કટકાના લગભગ ૧.૩૦ થી ર લાખ વિજ ગ્રાહકો ૪ર-૪૩ ડિગ્રીના ધોમ ધખતા તાપમાં વિજ પુરવઠા વિનાના રહેશે.

આ વિસ્તારમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના રહેણાક વિસ્તાર પ્રકાશ સોસાયટી અને તેની આસપાસના સમગ્ર વિસ્તાર પણ ૬ થી ૮ કલાક સુધી લાઇટ  વિનાનો રહેશે. તંત્ર દ્વારા આ કામગીરીની હજુ સુધી ઓફીશ્યલ જાણ પણ ન કરાયાનું બહાર આવ્યું છે. નવા રાજકોટના મોટા ભાગના ક્રિમ વિસ્તારો આ સબ સ્ટેશનમાં આવતા હોય ભારે ઉહાપોહ મચી જવા પામશે.

સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર બદલવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વિસ્તારમાં રહેતા અગ્રણીઓ દ્વારા પીજીવીસીએલના ઉચ્ચ અધીકારીઓ સુધી ફરીયાદ કરાઇ છે આ ઉપરાંત ગાંધીનગર સુધી પણ આ ફેરબદલ અંગે મોબાઇલ રણકતા કરવામાં આવ્યાનું પણ છેલ્લે-છેલ્લે જાણવા મળ્યું છે.

સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર બદલવાનો કાર્યક્રમ શીયાળામાં પણ રાખી શકાય છે તેવું પીજીવીસીએલના જ સુત્રો ઉમેરી રહ્યા છે.ભારે દેકારો મચી ગયો છે.(૬.૧૫)

(4:44 pm IST)