Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બાંધકામ પરવાનગી બે દિ'માં મળી શકશેઃ મંગળવારથી ઓનલાઈન પદ્ધતિ

સરકારે નગરો, મહાનગરો માટે નવી પદ્ધતિની માર્ગદર્શિકા જાહેર કરીઃ અરજી કર્યા પછી બે દિવસમાં જ ફેસલોઃ બિનખેતીનો હુકમ ઓન લાઈન અપલોડ અનિવાર્યઃ મંજુરીનો હુકમ અને નકશા ઓટોમેટેડ ઓર કોડથી મળી જશેઃ ખોટી માહિતી રજુ કરનારા અરજદારો સામે ફોજદારી પગલા

રાજકોટ, તા. ૨૭ :. રાજ્યમાં ઓનલાઈન વિકાસ પરવાનગી માટે સરકારે કરેલી જાહેરાત મુજબ તા. ૧ મે થી અમલવારી થશે. જેના માટે ગઈકાલે તા. ૨૬મીએ શહેરી વિકાસ વિભાગે ઓ.એસ.ડી. નીલા મુન્શીની સહીથી ખાસ માર્ગદર્શક પરિપત્ર બહાર પાડયો છે. વિકાસની પરવાનગીની અરજી બાદ અરજદારને બે જ દિવસમાં જવાબ મળી જશે.

પરિપત્રમાં જણાવાયુ છે કે, રાજ્યમાં બાંધકામ પરવાનગીમાં પારદર્શકતા, ઝડપ અને સરળીકરણ લાવવાની જરૂરીયાત ધ્યાને લેતા, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, સત્તા મંડળો તેમજ અલગ અલગ નગરપાલિકાઓમાં એક સરખી નિતીગત પદ્ધતિ અપનાવવા માટે સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો એટલે કે કોમ્પ્રિહેન્સિવ જીડીસીઆર તા. ૧૨-૧૦-૨૦૧૭થી લાગુ કરવામાં આવેલ. બાંધકામના નકશાઓની ચકાસણીમાં થતા વિસંગત અર્થઘટનો, માનવસહજ ક્ષતિઓ તેમજ વિલંબ દુર કરવા પણ જરૂરી જણાતા તથા આજના ડીઝીટલ યુગમાં પ્રણાલિક વ્યવસ્થાના બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરી નકશાઓની ચકાસણી કલાઉડ બેઝડ ઓનલાઈન સોલ્યુશનથી થાય, અરજદાર બાંધકામ અરજી ઓનલાઈન કરી શકે અને જરૂરી નાણાની ચુકવણી પણ ઓનલાઈન કરી શકે તે માટે રાજ્યના નિર્દિષ્ટ ઉકત વિસ્તારોમાં તા. ૧-૫-૨૦૧૮થી પ્રવર્તમાન વ્યવસ્થામાં બદલાવ લાવી 'ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ' (ઓડીપીએસ) લાગુ કરવામાં આવે છે. આ નવી વ્યવસ્થાની રૂપરેખા / કાર્યપદ્ધતિ નીચે મુજબ રહેશે.

સદર કાર્યવાહીમાં અરજદાર દ્વારા રજુ કરવામાં આવતા દસ્તાવેજો અને રજુઆતો સ્વ ઘોષિત (સેલ્ફ ડીકલર્ડ) અને સ્વ. પ્રમાણિત (સેલ્ફ સર્ટીફાઈડ) છે તે ધ્યાને લઈ ઓનલાઈન વિકાસ પરવાનગી આપવામાં આવશે અને આપવામાં આવતી માહિતીની સાત્યતા અંગે અરજી કરતી વેળાએ અરજદારશ્રી પર ભરોસો રાખી પરવાનગી આપવામાં આવશે. આ વ્યવસ્થા અંતર્ગત અરજદાર દ્વારા રજુ કરવામાં આવતી માહિતી સંપૂર્ણ સચોટ છે તેમજ અરજદાર દ્વારા તે માહિતી સંપુર્ણ સુઝબુઝ સહ અને સભાન અવસ્થામાં, સાતત્ય સ્થાપીત થાય તે મુજબ રજુ કરવામાં આવેલ છે. તેમ સમજીને આ નવી વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી રહેલ છે.

વિકાસ પરવાનગી નીચે દર્શાવેલ શરતો અને કાર્યપધ્ધતિને આધિન આપવામાં આવશે.

૧. વ્યાખ્યાઓઃ

અરજદારઃ એટલેકે જમીન માલીક અથવા કુલ મુખ્યત્યારનામાં થી અરજી કરવા માટેની સતા ધરાવતા વ્યકિત અથવા કોઇ કંપની કે સંસ્થા દ્વારા સત્તાસોંપણીને આધારે સત્તા ધરાવતી વ્યકિત ગણાશે.

૨. બાંધકામ પરવાનગી માટે અરજદારશ્રીએ જમીન મહેસુલી સંહિતાની કલમ ૬૫ હેઠળ બિનખેતીનો હુકમ ની નકલ ઓનલાઇન અપલોડ કરવી અનિવાર્ય રહેશે.

૩.વિકાસ પરવાનગી માટેની અરજી અરજદારે https://ifp.gujarat.gov.in/પોર્ટલ પર જરૂરી રજીસ્ટ્રેશન કરાવી કરી શકશે. સદર પોર્ટલ પર અરજીનો નમુનો તથા કાર્યપધ્ધતિ, જોડવાના થતા બિડાણોની વિગત વિગેરે મળી શકશે. અરજી સાથે પોર્ટલ પર દર્શાવ્યા મુજબ જરૂરી બિડાણો, નિયત નમુનામાં પીઓઆર દ્વારા તૈયાર કરેલ સીએડી નકશા સહ અલગ અલગ ફોર્મમાં વિગતો અને બિડાણો અપલોડ કરવાના રહેશે. આ અપલોડ કર્યા અંગેની ઓનલાઇન પોર્ટલ મારફતે ઇમેઇલ તથા એસએમએસ દ્વારા તાત્કાલીક અરજદાર પીઆરઓ અને સક્ષમ સત્તાધિકારીને જાણ થશે.

૪.ઉપરોકત ક્રમાંક ''૩'' પ્રમાણે અરજી, બિડાણો, સીએડી નકશા તથા અલગ અલગ ફોર્મમાં વિગતો અપલોડ થયા અંગે ઇમેઇલ તથા એસએમએસ મળ્યેથી પીઓઆર દ્વારા ઓનલાઇન ખરાઇ કરવાની રહેશે.

૫.ઉપરોકત ''૪'' અનુસંધાને પીઓઆર દ્વારા જે ખરાઇ કરેલ છેતે આનલાઇન પોર્ટલ પર તેઓએ અપલોડ કરવાનું રહેશે. તે બાબતેની જાણ ઓનલાઇન પોર્ટલ મારફતે ઇમેઇલ તથા એસએમએસ દ્વારા અરજદાર, પીઓઆર અને સક્ષમ સતાધિકારીને થશે. જાણકારી મળ્યેથી અરજદારે જરૂરી ફી ઓનલાઇન સત્તામંડળને ભરવાની રહેશે.

૬.ઉપરોકત ક્રમાંક ''૫'' માં દર્શાવ્યા મુજબની પધ્ધતિ અનુસાર જરૂરી ફી ભર્યા સુધીની તમામ કાર્યવાહી પુર્ણ થયેથી અરજી ઓનલાઇન થયેલ ગણાશે. અરજી સંદર્ભેનો નિર્ણય થઇ મંજુરી / નામંજુરીની જાણ એક કામકાજી દિવસમાં થાય તે માટેનાં પ્રયત્ન કરવામાં આવશે અને વધુમાં વધુ બે કામકાજી દિવસમાં નિર્ણયની જાણ થઇ શકશે. જે કિસ્સામાં મંજુરી આપવાની થશે તે કિસ્સામાં મંજુરનો હુકમ અને નકશા Automated થી અધિકૃત થઇ અરજદારને પીઓઆર ને અને સક્ષમ સત્તાધિકારીને મળશે.

૭.ઉપરોકત ક્રમાંક ''૬'' થી સક્ષમ સત્તાધિકારીને પોર્ટલ પર અપલોડ કરેલ તમામ માહિતી, બિડાણો, ફોર્મ, નકશા, અને અન્ય વિગતો તેમજ મંજુરી / નામંજુરી અંગેના ઓટોમેટેડ સ્કુટીની રીપોર્ટની ઓનલાઇન મળ્યેથી તેઓને કોઇ વિપરીત અભિપ્રાય હોય તો કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરી શકશે.

૮. નકશો તૈયાર કરવાનો સીએડી નો નમુનો, ઉદાહરણ રૂપી ડ્રોંઇગ ફાઇલ (Sample. dwg File) તેમજ નકશા તૈયાર કરવા માટેનું Pre DCR Software ટાઉન પ્લાનીંગ  ડીપાર્ટમેન્ટની વેબસાઇટ http: // townplanning.gujarat. gov.in પર ઉપલબ્ધ છે અને તેના પરથી ડાઉનલોડ કરી શકાશે.

ODPS બાંધકામ પરવાનગી માટેની વ્યવસ્થા હોઇ અરજદારશ્રી જે પ્લોટ પર બાંધકામ કરવા માટે ઇચ્છુક હોય અરજી અને તેની સાથેના બિડાણો સહ નીચે મુજબની વિગતો અરજી સાથે રજુ કરવાની રહેશે.

એ. પ્લોટનાં માપો, ક્ષેત્રફળની અધિકૃતતા માટે પ્લોટ ખરાઇનું પ્રમાણ પત્ર અને સ્થળ સ્થિતિઃ પરિશિષ્ટ-૧

બી. માલીકી માટેઃ પરિશિષ્ટ-૨

૧૦. અરજદારશ્રી દ્વારા રજુ કરેલ માહિતી કાયદા મુજબ અધિકૃત ન હોય તેવી માહિતી આપેલ હશે તો આપોઆત પરવાનગી રદ થશે. અને તેઓની સામે ફોજદારી સહિત કાયદાકીય પગલા લેવામાં આવી શકાશે. તેમ અંતે પરિપત્રમાં જણાવેલ છે.

રાજકોટના ૨૫૦થી વધુ આર્કિટેકટોએ વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન મેળવ્યું

રાજકોટ :. ઓનલાઈન બાંધકામ પરવાનગી અંગે રાજ્યના ચીફ ટાઉનપ્લાનર દ્વારા આજે બપોરે ૨ વાગ્યાથી રાજ્યભરના આર્કિટેકટો અને કન્સલ્ટન્ટો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને ઓનલાઈન પરવાનગીમાં પ્લાનનું સબમીશન કરવા, જરૂરી આધાર પુરાવા દેવા તથા પરમીશન મળી છે કેમ ? તે જાણવાની પદ્ધતિ વગેરેની ઝીણવટભરી માહિતી રજુ કરી અને માર્ગદર્શન આપ્યુ હતું. રાજકોટ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં શહેરના ૨૫૦થી વધુ આર્કિટેકટો અને કન્સલ્ટન્ટો ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)