Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અજાણ્યા વિડીયો કોલ આવે તો રિસીવ ન કરતાઃ છોકરી નગ્ન થઇ કોલ રેકોર્ડ કરી લે, બાદમાં બ્લેકમેઇલનો પ્રયાસ

સતત વિડીયો કોલ આવે, રિસીવ કરો તો તમારું રેકોર્ડિંગ કરી લે...પછી પોતાના કપડા ઉતારવા માંડે...રેકોર્ડિંગ કરી પૈસાની માંગણી : કોલ કરનાર બોગસ સિમકાર્ડનો ઉપયોગ કરે છેઃ મોટે ભાગે યુપી-બિહારથી થાય છે આવા કોલઃ રાજકોટ સાયબર ક્રાઇમમાં આવતી અરજીઓની તપસમાં વિગતો ખુલીઃ આજે તાલુકા ભાજપના પ્રમુખને મેસેન્જર વિડીયો કોલ કરી ફસાવવાનો પ્રયાસ થતાં ફરિયાદ : બાબુભાઇ નશીતે સાયબર ક્રાઇમમાં અરજી કરી

રાજકોટ તા. ૨૭: સોશિયલ મિડીયાનો સારો ઉપયોગ થઇ શકે એમ તેનો ખોટો ઉપયોગ કરનારા પણ દુનિયામાં અસંખ્ય લોકો છે. ઓનલાઇન છેતરપીંડી, બ્લેકમેઇલીંગ કરવાના બનાવો પણ અવાર-નવાર બનતા રહે છે. દરમિયાન  ખોખડદળ ગામમાં રહેતાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ નશીતને ફેસબૂક મેસેન્જરમાંથી સતત વિડીયો કોલ અજાણ્યા નંબરથી આવતાં તેમણે એક કોલ રિસીવ કરતાં કોલ કરનાર યુવતિએ પોતાના કપડા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. એ પછી આં વિડીયો કોલ કરનારે ફરીથી ફોન કરી તમે ખોટુ કર્યુ છે, કેસ થશે, તમે મને જોતાં હો એવો વિડીયો રેકોર્ડ થઇ ગયો છે, તેને અલગ-અલગ ગ્રુપમાં મુકી દઇશ...તેમ કહી ડરાવી ધમકાવી પૈસા માંગી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરતાં આ મામલે બાબુભાઇ નશીતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.

બાબુલાલ નશીતે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા નામથી ફેસબૂક એકાઉન્ટ ધરાવુ છું. જેમાં આજે સવારે મનિષા શર્મા નામના એકાઉન્ટમાંથી વારંવાર વિડીયો કોલ આવવાનું શરૂ થયું હતું. અમે તેને ઓળખતા ન હોઇએ જેથી વિડીયો કોલ રિસીવ કરવાનું ટાળ્યું હતું. એ પછી પણ સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં જ બિભત્સ વર્તન ચાલુ થઇ ગયું હતું. જેથી મેં કોલ કટ કરી નાંખ્યો હતો. એ પછી તેણે મેં વિડીયો કોલ રિસીવ કર્યો હોઇ તેનું રેકોર્ડિંગ એડિટ કરી મેં ખોટુ કર્યુ છે, બદનામ કરી દેશે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. હકિકતે મેં વિડીયો કોલ નહોતો કર્યો, પણ મને સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં મને ફસાવીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો હતો.

આ મામલે મેં સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ આપી છે. તેમ વધુમાં બાબુભાઇ નશીતે જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી અનેક અરજીઓ આવી હોવાનું તેમણે કહ્યું હતું.

યુ.પી. તરફની ટોળકી આ પ્રકારે લોકોને ફસાવવા સક્રિય થઇ છેઃ આવી કેટલીક અરજીઓની તપાસ

. સાયબર ક્રાઇમ પોલીસ મથકના સિનીયર પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી. જે. ફર્નાન્ડીઝને બાબુલાલ નશીતની અરજી બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવતાં અમે મુળ સુધી પહોંચવા મહેનત કરી છે. પરંતુ કોલ ડિટેઇલ સીડીઆર વેસ્ટ બેંગાલની હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખુબ મુશ્કેલ બની જતું હોય છે. અમને મળેલી આવી અરજીઓની તપાસ થઇ રહી છે. લોકોએ બને ત્યાં સુધી અજાણ્યા કોઇપણ સોશિયલ મિડીયામાંથી આવતાં વિડીયો કોલ રિસીવ કરવા જોઇએ નહિ, અથવા તો આવા શંકાસ્પદ કોલ હોય તો તુરત જ કટ કરી બ્લોકમાં મુકી દેવા જોઇએ. લોકોએ ગભરાવાની જરૂર નથી. કારણ કે જે કઇં કર્યુ હોય છે એ કોલ કરનારે કર્યુ હોય છે, રિસીવરને માત્ર ફસાવવા પ્રયાસ થયો છે. વિડીયો કોલ કરનાર મહિલા-યુવતિ સામેની વ્યકિત કોલ રિસીવ કરે એ સાથે જ ન્યુડ થવા માંડે છે. આ વિડીયો કોલનું રેકોર્ડિંગ તે કરી લે છે. એ પછી જેને કોલ આવ્યો હોઇ તેનું રેકોર્ડિંગ અને પોતે ન્યુડ થઇ હોઇ તેનું રેકોર્ડિંગ એડિટ કરી તેના આધારે કોલ રિસીવ કરનારે ડરાવી ધમકાવી પૈસા પડાવવા પ્રયાસ કરે છે. લોકો આવા અજાણ્યા વિડીયો કોલથી ચેતતા રહે અને જાગૃત રહે તે જરૂરી છે.

(3:53 pm IST)