Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોના સંક્રમણ ધ્યાને લઇ ઉત્સાહના અતિરેક વગર સીમીત કાર્યક્રમો સાથે ઉજવાશે હોળીનું પર્વ

હોલી આઇ રે કન્હાઇ...: કાલે હોલીકા દહન : સોમવારે ધૂળેટી

હોળી પ્રાગટય માટે કાલે રાત્રે ૭ થી ૯.૫૬ શ્રેષ્ઠ મુહુર્ત : રાત્રે ૧૨.૧૮ થી હોળાષ્ટક પુરા : બાદ શુભકાર્યો ધમધમશે : બજારોમાં ખજુર-ધાણી-દાળીયા છવાયા : સભી રંગો કા રાસ હૈ હોલી મન કા ઉલ્લાસ હૈ હોલી જીવનમાં ખુશિયા ભર દેતી હૈ બસ ઇસલીએ ખાસ હૈ હોલી

રાજકોટ તા. ૨૭ : કાલે ફાગણ સુદ પુનમના હોળી અને બીજા દીવસે એકમના પડવાના દિવસે ધુળેટી પર્વ ઉજવવા લોકોમાં અનેરો ઉમંગ છવાયો છે. હાલ કોરોના સંક્રમણ કાળ ચાલી રહ્યો છે. ત્યારે ઉત્સાહના અતિરેકમાં નહીં આવવા અપીલો થઇ છે. ટોળે વળી ધુળેટી રમવા પર પાબંધીઓ મુકાઇ છે. લોકોએ સંયમ દાખવી સરકારી ગાઇડ લાઇનને અનુસરીને પર્વની ઉજવણી કરવાની રહેશે.

કાલે હોળી પર્વ હોય ચોકે ચોકે  હોળી પ્રાગટય માટેની તડામાર તૈયારીઓ  ચાલી રહી છે. છાણા એકત્ર કરવાનું આજથી જ શરૂ થઇ ચુકય છે. હોળી પ્રાગટય માટે કાલે રાત્રે૭ થી ૯.૫૬ કલાક સુધી શુભમુહુર્ત છે. રાત્રે ૧૨.૧૮ કલાકથી હોળાસ્ટક પુરા થશે. બાદમાં શુભકાર્યો ધમધમશે.

કાલે હોલીકા દહન કરી લોકો પ્રદક્ષિણા કરી ખજુર, ધાણી, દાળીયાનો હોમ કરશે. વરતારો કરવાવાળા લોકો હોળીની ઝાળનું અવલોકન કરી આવનારા વર્ષનું ભવિષ્ય ભાખશે.

બીજા દિવસે એટલે કે સોમવારે રંગપર્વ ધુળેટી છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રંગ ઉડાડવાની કે ટોળે વળવા પર પ્રતિબંધ છે. લોકો ઘરે ઘરે જ તિલક હોળી મનવી આનંદ લઇ શકશે. મંદિરોમાં ફુલડોલ ઉત્સવ પણ ભકતોની ભીડ વગર ઉજવવા સીમીત આયોજનો કરાયા છે.

કોઠારીયા કોલોની ચોકમાં પરંપરાગત હોલિકા દહન

કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપ દ્વારા કાલે પરંપરાગત હોલિકા દહન કરાશે. ૭ હજાર છાણાની ગોઠવણી કરી રંગબેરંગી રોશની કરાશે. સાંજે ૭.૩૦ કલાકે હોળી પ્રાગટય રાખેલ છે. આસપાસની કોલોનીના લોકો પ્રદક્ષિણાનો લાભ લઇ ખજુર, દાળીયા, ધાણી, શ્રીફળનો હોમ કરશે. સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક સહીતના સરકારી નિયમોનું ચુસ્ત પાલન કરાવાશે. તેમ કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપના અનોપસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, દીલીપસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ચૌહાણ, હરદેવસિંહ ઝાલા, શકિતસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ જાડેજા, રશ્વીનભાઇ જાદવ, વિશાલ ચૌહાણ, હેમલ ચૌહાણ, સબીરભાઇ સવાણા, સિધ્ધરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ, શનિ જાદવ, જયભાઇ આસોડીયા, કલ્પેશભાઇ ઠાકર, હિતેશભાઇ સોલંકી, જયેન્દ્રસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, યશપાલસિંહ ઝાલા, મનોજભાઇ મકવાણા, અશરફભાઇ, નૈમીષભાઇ વગેરેએ અનુરોધ કરેલ છે.

જીવનનગરમાં કાલે ૧૧,૧૧૧ છાણાની હોળી

જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળ, મહોત્સવ સમિતિના ઉપક્રમે જીવનનગર ચોકમાં રવિવારે ૧૧,૧૧૧ છાણાની હોળી કરાશે. રાત્રે ૮.૩૦ વાગ્યે વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રાગટય કરાશે. શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરાશે. કોરોના ધ્યાને લઇ ધૂળેટી પર્વની ઉજવણી બંધ રાખેલ હોવાનું સમિતિની યાદીમાં જણાવાયુ છે.

પનઘટ કલાવૃંદ દ્વારા ઘરે ઘરે તિલક હોળી રમવા અપીલ

વસંતઋતુના વધામણારૂપે ઉજવાતા હોળી ધુળેટીના રંગોત્સવનું દર વર્ષે પનઘટ કલાવૃંદ દ્વારા અદકેરૂ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારી ધ્યાને લઇ ઉત્સવી આયોજન મોકુફ રાખી લોકોએ ઘરે ઘરે જ તિલક હોળી મનાવવા અપીલ કરાઇ છે.

(2:53 pm IST)