Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આરોગ્ય ટીમની સમજાવટથી શંકાનું સમાધાનઃ આધીયા ગામે સરપંચ સહીત ૧૦૦થી વધુ લોકોએ કરાવ્યું રસીકરણ

રાજકોટઃ  રસીના ડરના કારણે ભાડલા પી.એચ.સી. સેન્ટર હેઠળ આવતા આધીયા ગામના લોકોને આરોગ્ય વિભાગના લોકોએ સમજાવતા સરપંચ શ્રી ધનજીભાઈ સુરેલા સહીત બે દિવસમાં ૧૦૦ થી વધુ ગ્રામજનોએ રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બનવામા એક કદમ આગળ આવ્યા છે.

સરપંચશ્રી ધનજીભાઈએ જણાવ્યું હતું કે, ગામજનોમાં રસીને લઈને ડર હતો. કોઈ લોકો રસી લેવા તૈયાર ન હતાં, પણ દવાખાનાના સાહેબ અને બીજા સ્ટાફના લોકોએ અમને રસી લેવા સમજાવ્યા હતાં. અમારી શંકાનું સમાધાન થતા ધીરે ધીરે બધા લોકો રસી લેવા તૈયાર થયા હતાં. અમને  કોઈ તકલીફ ન હોવાનું ધનજીભાઈ જણાવે છે.

આ અંગે આરોગ્ય વિભાગના અધિકારી શ્રી શાહે જણાવ્યું હતું કે, હાલ કેટલાક એવા ગામ છે કે ત્યાં ૧૦૦ ટકા વેકિસનેશન પૂર્ણ થયું છે. જયારે કેટલાક ગામમાં ખુબ ઝડપી વેકિસનેશન આપવા કામગીરી ચાલી રહી છે. જે ગામમાં લોકો ઓછો ઉત્સાહ દર્શાવે તે ગામમાં હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા લોકોને રસીકરણ માટે સમજાવવામાં આવે છે. તેઓને હૈયે ધરપત બેસે તે માટે અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. જેમનું આ એક ગામ છે જ્યાં સરપંચ સહીત અનેક લોકો રસીકરણ માટે તૈયાર થયા છે. સરપંચશ્રીએ સૌ ગ્રામજનો અને પી.એચ.સી. સેન્ટરના સ્ટાફનો આ તકે આભાર માન્યો હતો.

(2:48 pm IST)