Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોઠારીયા સોલવન્ટ વિસ્તારની સગીરા ૨૩ દિવસથી ગૂમઃ અપહરણનો ગુનો નોંધાયો

સગાને ત્યાં ઇમિટેશનના કામ માટે ગયા બાદ ગાયબ થઇ હતીઃ આજીડેમ પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૨૭: કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી સગીરા તા.૪ના રોજ ઘરેથી બાજુની શેરીમાં સગાને ત્યાં ઇમિટેશનના કામ માટે ગયા બાદ ગૂમ થતાં શોધખોળને અંતે પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધાયો છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કેમારે સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. ૪/૩ના રોજ મોટી દિકરી કે જે ૧૭ વર્ષ ૩ માસની વય ધરાવે છે અને કેટરર્સમાં કામ કરે છે તે એ દિવસે કેટરર્સમાં રજા હોઇ શેરીમાં રહેતાં કોૈટુંબીક સગાને ત્યાં ઇમિટેશનનું કામ કરવા ગઇ હતી. સાંજે છએક વાગ્યે સગાને ફોન કરીને અમારી દિકરી બપોરે તમારે ત્યાં આવી હતી હજુ ઘરે કેમ નથી આવી? તે અંગે પુછતાં તેણે તમારી દિકરી અહિ બપોરે આવી હતી અને દોઢેક વાગ્યે બીજી શેરીમાંથી ઇમિટેશનનો માલ લેવાનું કહીને નીકળી ગઇ હતી.

એ પછી અમે દિકરીની આસપાસમાં તથા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. આજ સુધી તેના કોઇ વાવડ ન મળતાં અંતે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. તે ઘરેથી નીકળી ત્યારે બ્લુ રંગનો ડ્રેસ અને સફેદ ચોરણી પહેરી હતી.

પીઆઇ વી. જે. ચાવડા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી સહિતે સગીરા ગુમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:04 pm IST)