Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટ જીલ્લામાં સાતમી આર્થિક ગણતરીની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણઃ કુલ ૨૨૦૪ કર્મચારીઓ દ્વારા ૧૧ લાખ ઘરો આવરી લેવાયા

રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ જિલ્લામાં ૭મી આર્થિક ગણતરી અન્વયે જિલ્લા કક્ષાની સંકલન સમિતિની બેઠક જિલ્લા આયોજન અધિકારી શ્રી ટોપરાણી અને જિલ્લા આંકડા અધિકારી વી.બી. માંડલીયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાજકોટ જિલ્લામાં ૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રીય તથા સુપરવિઝન લેવલ-૧ની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થયેલી હોય અને હવે આગળની કામગીરી માટે ચર્ચા અને આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં સીએસસીના ડીસ્ટ્રીકટ મેનેજર, સીનીયર સ્ટેસ્ટીકલ ઓફિસર, માહિતી, ઉદ્યોગ કેન્દ્ર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકાર અને રાજ્ય સરકાર સમયાંતરે વ્યકિતઓ, કુટુંબો, સંસ્થાઓ પાસેથી વિવિધ સામાજિક - આર્થિક બાબતોની માહિતી એકત્ર કરે છે. જેનો ઉપયોગ નીતિ અને યોજનાઓના ઘડતર માટે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આર્થિક ગણતરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ૭મી આર્થિક ગણતરીનો શુભારંભ કરવામાં આવેલ છે. રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામો તેમજ જુદા જુદા મહોલ્લાઓ માટે આર્થિક ગણતરી ખૂબ જ અગત્યની કામગીરી છે. જેના પરથી રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામો તેમજ જુદા જુદા મહોલ્લાઓમાં કયા પ્રકારના રોજગાર ઉપલબ્ધ છે, કયા પ્રકારના રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે, કયા પ્રકારના રોજગારોની તકો ઉપલબ્ધ છે, કયા પ્રકારના રોજગારોની તકો ઉભી કરી શકાશે, લોકોની સુખાકારી અને આર્થિક પ્રગતિમાં વધારો કરવા કયા પ્રકારના રોજગારોને પ્રોત્સાહન આપવુ અને કયા પ્રકારની યોજનાઓ અમલમાં મુકવી વગેરે જેવી અતિ મહત્વની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. આમ આર્થિક ગણતરી રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામો તેમજ જુદા જુદા મહોલ્લાઓ તથા તેમા વસવાટ કરતા લોકોના આર્થિક વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે તેમજ સરકારને લાંબાગાળાના આર્થિક આયોજનમાં અતિ ઉપયોગી થઈ શકે છે.

કેન્દ્ર સરકારના સીએસસી-ઈ-ગવર્નન્સ સર્વિસ ઈન્ડીયા લીમીટેડ અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી દ્વારા ૭મી આર્થિક ગણતરીની કામગીરી સૌ પ્રથમવાર મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરી સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લામાં ૧૯૭૯ ગણતરીદારો અને ૨૨૫ - સુપરવાઈઝર્સ એમ મળીને કુલ ૨૨૦૪ વ્યકિતઓની મદદથી સાતમી આર્થિક ગણતરીની ક્ષેત્રિય તથા સુપરવિઝન લેવલ-૧ની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લામાં સાતમી આર્થિક ગણતરીમાં કુલ ૧૧૬૨૫૩૩ ઈકોનોમીક સેન્સસ હાઉસહોલ્ડ આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ૯૮૫૨૫૬ - રેસીડન્સીયલ, ૧૨૯૦૫૨-કોમર્શીયલ અને ૪૭૨૨૫ - અન્ય ઈકોનીમીક સેન્સસ હાઉસહોલ્ડને આવરી લેવાયેલ છે.

(12:00 pm IST)