Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બેકાબુ કોરોનાઃ રાજકોટમાં વધુ ૬ ને ભરખી ગયો : નવા ૬૧ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૮ પૈકી બે જ કોવિડ ડેથઃ કુલ કેસનો આંક ૧૮,૩૧૬: આજ દિન સુધીમાં ૧૭,૪૦૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૫.૩૬ ટકા થયો

રાજકોટ તા. ૨૭ : શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઇકાલે  ૮ મોત નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૬નો ભોગ લીધો છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૬૧ કેસ નોંધાયા છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૬નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૭નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૮ પૈકી બે મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૯૩૦ બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૫૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં ૬૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૬૧  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૮,૩૧૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૭,૪૦૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૫.૩૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૯૩૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૩૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૫૩ ટકા થયો  હતો. જયારે ૯૦ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૬,૫૫,૦૭૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૮,૩૧૬  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૮ ટકા થયો છે.

(3:52 pm IST)