Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કવિ દુલા ભાયા કાગની ૪૩મી પુણ્યતીથી

ગિરા ધોધ ગંગા ગવન, જન પંખી કે પ્રાગ,ભારત કવિઓમાં ભૂષણ, કરૃં વંદન કવિ કાગ

લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમા પદ્મશ્રી કવિ દુલાભાઇ ભાયાભાઇ કાગનો જન્મ તા. રપ/૧૧/૧૯૦રના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ખાતે મોસાળમાં ગઢવી જ્ઞાતિમાં થયો હતો. અમરેલી તાબાનું રાજુલા પંથકનું મજાદર (કાગધામ) એ તેઓની કર્મભૂમિ છે. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કવિ કાગે કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને જ્ઞાન, ભકિત અને નીતિ-આચરણ જેવા વિષયો પર સાહિત્યની રચના કરી છે.

સંત મુકતાનંદજીની કૃપાથી નાની ઉંમરમાં જ કવિતાની સરવાણી ફૂટી અને તેઓ લોક રામાયણના વાલ્મીકિ બન્યા. રામાયણ અને મહા ભારત જેવાં પ્રાચીન ગ્રંથોની ગહન વાણીને સરળ ભજનો દ્વારા લોકવાણીમાં રજૂ કરી છે, માટે જ તેઓ સમાજમાં કાગબાપુ અને ભગતબાપુના નામથી જાણીતા હતા. ભજનો ઉપરાંત દોહા-છંદ, કવિત, સરવૈયા વગેરે ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન છે.

વિનોબા બાવની, સોરઠ બાવની, ચંન્દ્ર બાવની, તો ધર જાશે, જશે ધરમ, ગુરુ મહિમા, શકિત ચાલીસા ઉપરાંત કાગવાણી ભાગઃ ૧ થી ૭ માં લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો કવિએ ઉમદા પ્રયત્ન કર્યો છે.

રવીન્દ્ર પારિતોષિક ઉપરાંત ભારત સરકારે પદ્મશ્રીના પુરસ્કારથી એમનું બહુમાન કર્યું હતું. ઇ.સ. ૧૯૭૭ની રરમી ફેબ્રુઆરીએ તેઓએ ધરતી ઉપરથી વિદાય લીધી ત્યારે લોક સાહિત્ય જાણે સૂનું પડયું હતું.મ એમની કવિતામાં ધબકતો ચેતન-આત્મા તો સદીઓ સુધી ભાવકોને ભાવતરબોળ કરતો રહેશે.

-હિતેષ ગઢવી, રાજકોટ.

મો. ૯૯ર૪૮ ૧૦પ૯૪

(4:22 pm IST)