Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મથુરાની ૨૨ કરોડની ટેક્ષ બાકી : રાજકોટની પાર્ટીને મીલકત જપ્તીની નોટીસ

મથુરાના ડે.કમિશ્નર નરેન્દ્રકુમારના પત્ર બાદ કલેકટરનો સપાટો : પશ્ચિમ મામલતદારે અમીન માર્ગ ઉપર હરીશ પંડયાના ઘરે નોટીસ ચીપકાવીઃ ૧૦ દિવસમાં નાણા ન ભરે તો સ્થાવર - જંગમ મીલકત જપ્ત ઉપરાંત મહેસૂલ કાયદા કલમ ૧૫૭ હેઠળ ધરપકડની પણ ચેતવણી : સનસનાટીઃ મથુરામાં રાજકોટની પાર્ટીને રામદૂત પેટ્રોલ પ્રોડકટનો બીઝનેસ વાણીજ્ય કરતી રીકવરી પ્રશ્ને મહેસૂલ તંત્રની જબરી કાર્યવાહી

રાજકોટ તા. ૨૭ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને એક કડક પગલુ ભરી પશ્ચિમ મામલતદાર શ્રી ભગોરા મારફત મથુરાનો વાણીજ્ય કરની કરોડોની બાકી હોય, રાજકોટની પાર્ટી હરીશ જયંતિલાલ પંડયા તે જયંતિલાલ રેવાશંકર પંડયાના પુત્ર - ૮૧/જી, કરણ પાર્ક શેરી નં. ૨, અમીન માર્ગ, કાલાવાડ રોડ, રાજકોટને ટેક્ષ વસુલવા અંગે નોટીસ ફટકારી-૧૦ દિવસમાં ટેક્ષ ભરી દેવા અન્યથા સ્થાવર - જંગમ મીલકત જપ્તી અને ધરપકડ અંગે ચેતવણી આપતા સનસનાટી મચી જવા પામી છે.

આ ખળભળાટ મચાવનાર કેસની વિગત મુજબ વાણીજ્ય અધિકારી ડે. કમિશ્નર શ્રી નરેન્દ્રકુમાર - કોશીકલા (મથુરા)એ કલેકટરને પત્ર પાઠવી ઉપરોકત પાર્ટીના ૨૨ કરોડ ૬૯ લાખ  ૨૧૧૭૨ની બાકી હોય, તે રીકવરી અંગે કહ્યું હતું, પરિણામે કલેકટર શ્રી રેમ્યા મોહને તાબડતોબ એકશન લઇ, પશ્ચિમ મામલતદાર શ્રી ભગોરાને સૂચના આપી હતી, પરિણામે મામલતદાર શ્રી ભગોરાએ ઉપરોકત પાર્ટીને ત્રણ બક્કાના ૧૧ કરોડ ૯૯ લાખ, ૩ કરોડ ૩૭ લાખ, ૨ કરોડ ૨ાા લાખ અને ૫ કરોડ ૪૦ લાખ મળી કુલ ૨૨ કરોડ ૬૯ લાખ વસૂલવા અંગે નોટીસ ફટકારી ઘરે ચીપકાવી દિધી છે.

જેમાં ૧૦ દિવસનો સમય અપાયો છે, અને જો નાણા રોકડેથી કે ચેકથી ભરે તો આધાર રજૂ કરવા અને કુલ જમા કરેલ રકમના ૫ ટકા, રેવન્યુ સર્વિસના પણ ચૂકવવા આદેશો કર્યા હતા.

નોટીસમાં જણાવેલ કે, જો રકમ ચૂકવવામાં બેદરકારી કે નિષ્ફળ જશે તો મહેસૂલ કાયદાની કલમ-૨૦૦ હેઠળ સ્થાવર જંગમ મીલકત જપ્તી કરાશે, તથા મહેસૂલ કાયદાની કલમ-૧૫૭ હેઠળ ધરપકડ કરવાની પણ નોટીસમાં ચેતવણી અપાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે, ઉપરોકત પાર્ટીને રામદૂત પેટ્રોલ પ્રોડકટ પ્રા.લી. શેરી નં. ૩, આર્યનગર - કોશીકલા (મથુરા)માં પેઢી આવેલી છે અને વાણીજ્ય કરની વસૂલાત સંદર્ભે મથુરાથી ડે. કમિશ્નર શ્રી નરેન્દ્રકુમારે રાજકોટ કલેકટરને જાણ કરતા, કલેકટરની સૂચના બાદ પશ્ચિમ મામલતદાર શ્રી ભગોરાએ નોટીસ ફટકારી હતી.

આ કેસ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧નો હોવાનું અને ત્યારથી બાકી બોલતી હોવાનું બહાર આવ્યું છે, મામલતદારશ્રીએ રજીસ્ટાર એડીથી પણ નોટીસ મોકલાવી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:54 pm IST)