Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

તરછોડાયેલી બાળાની ઇજા ભેદ સર્જે છેઃ ૪ ટીમોની તપાસ

ઠેબચડામાં ભીચરીથી મહિકા રોડ પર કુતરૂ બાળકીને મોઢામાં લઇને જતું દેખાતાં રાજકોટના વિપુલ રૈયાણી સહિતે પથ્થરમારો કરી બાળકીને બચાવી હતી : ડીસીપી રવિમોહન સૈની, પીઆઇ વી. જે. ચાવડા અને ટીમે હોસ્પિટલે પહોંચી વિગતો મેળવીઃ તબિબે કહ્યું-બાળાની હાલત ગંભીર, પોલીસ તપાસ કરે અને બાળાની ઓળખ થાય પછી જ સ્પષ્ટ થશે કે ખરેખર શું બન્યું: ઇજાના નિશાન બ્લેડ કે બીજા તિક્ષ્ણ હથીયારથી થયા હોય : તેવું લાગે છે, પણ સ્પષ્ટ ન કહી શકાયઃ કુતરાના દાંત, કૂતરાના નહોરથી કે બાળકી ઢસડાય તો કપચી કે અણીદાર પથ્થરા ખુંચવાથી પણ ઇજા થઇ શકેઃ એફએસએલ નિષ્ણાંતોના રિપોર્ટની જોવાતી રાહ : બાળકી વિશે કોઇપણ કંઇપણ જાણતું હોય તો પોલીસને જાણ કરોઃ માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે

ડીસીપી રવિમોહન સૈની, પીઆઇ વી. જે. ચાવડા સહિતની ટીમ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૭: ગઇકાલે રાજકોટ-ભાવનગર હાઇવે પરના ઠેબચડા ગામની સીમમાં ભીચરીથી મહિકા તરફ જતાં રોડ પર એક કુતરૂ નવજાત બાળકીને મોંમાં પકડીને જતું દેખાતાં ક્રિકેટ રમીને પરત આવી રહેલા રાજકોટના રાધેશ્યામ સોસાયટીના વિપુલ બાબુભાઇ રૈયાણી નામના પટેલ યુવાન અને તેના મિત્રોએ પથ્થરમારો કરી બાળાને કુતરાની પક્કડમાંથી છોડાવી હતી અને ૧૦૮ મારફત રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બાળાના શરીર પર કુતરાના દાંતના (ડોગ બાઇટના) નિશાન હોવા ઉપરાંત બગલ અને પીઠના ભાગે અલગ-અલગ ઇજા જેવા નિશાનો દેખાતા કે. ટી. ચિલ્ડ્રન વિભાગના તબિબો ચોંકી ગયા હતાં. આશરે બે કે ત્રણ દિવસની વય ધરાવતી ફૂલડા જેવી બાળાને ત્યજી દીધા પહેલા તેના શરીરે બ્લેડ કે પછી બીજા કોઇ તિક્ષ્ણ હથીયારથી ઇજાઓ કરવામાં આવ્યાની દ્રઢ શંકા ઉદ્દભવી છે. જો કે તબિબે આ ઇજા શાનાથી થઇ હોઇ તે સ્પષ્ટ કર્યુ નથી. પણ ડોગબાઇટ સિવાયની ઇજા હોવાની શંકા દર્શાવી છે. ત્યારે હવે બાળાના શરીર પરના ઇજાના નિશાના શાના હોઇ શકે? તે અંગે રહસ્ય સર્જાયુ છે. પોલીસ માટે આ કોયડો ઉકેલવો પડકારરૂપ થઇ ગયો. ડીસીપી ઝોન-૧ની દેખરેખ હેઠળ ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

જન્મતાની સાથે જ મોતના મુખમાં ધકેલી દેવામાં આવેલી બાળકી કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તેના શરીર પર કુતરાના દાંતના નિશાનો તો મળ્યા છે. સાથો સાથ બીજા પંદર-વીસ ઇજાના નિશાન એવા છે જેણે તબિબોને પણ ચોંકાવ્યા છે. આ ઇજાઓ બ્લેડ, કટર કે પછી બીજા કોઇ સાધનથી થઇ હોઇ શકે તેવી હોવાની શકયતા તબિબ દર્શાવી રહ્યા છે. પોલીસના કહેવા મુજબ ઘટના સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેણે બાળાને બચાવી એ બાળકીને કુતરાના મોંમાથી છોડાવનાર યુવાન અને તેના મિત્રોની પુછતાછ પણ થઇ છે. આ યુવાનોએ કુતરાને બાળકીને મોઢામાં લઇ જતું જોતાં જ પથ્થરમારો કરી બાળકીને છોડાવી હતી. આ કુતરૂ કઇ તરફથી બાળાને ઉઠાવી લાવ્યું, એ પહેલા બીજા કુતરાઓએ પણ બાળાને બટકા ભર્યા હતાં કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે હાલ તો બાળાને કુતરાના મોઢામાંથી બચાવનાર કોઠારીયા ચોકડી બ્રહ્માણી હોલ પાસે ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં ઇલેકટ્રીકનું કામ કરતાં વિપુલ રૈયાણીની ફરિયાદ પરથી અજાણી વ્યકિત સામે આઇપીસી ૩૧૭ મુજબ  આશરે બે કે ત્રણ દિવસની ઉમર ધરાવતી બાળાને ત્યજી દેઇ અસુરક્ષીત મુકી દઇ ગુનો આચરવા સબબ એફઆઇઆર દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસ આ બાળાની ઓળખ મેળવવા અને કોણે તેને ત્યજી દીધી? તેને શોધી કાઢવા દોડધામ કરી રહી છે. બાળકીના શરીર પરની ઇજાઓના રિપોર્ટ હવે પછી પોલીસ મેળવશે.

ડીસીપી ઝોન-૨ રવિમોહન સૈની, એસીપી એચ. એલ. રાઠોડ અને પીઆઇ વી. જે. ચાવડા સહિતની ટીમ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલે પહોંચી હતી અને બાળકીની ઇજાના નિશાનો અંગે તપાસ કરી હતી. તબિબે પોલીસને જણાવ્યું હતું કે ઇજાના નિશાનો કુતરાના દાંત કે નહોરના છે કે પછી બાળાને કુતરાએ ઢસડી હોઇ તેના કારણે થયા કે પછી કોઇ હથીયારથી કોઇએ ઇજા પહોંચાડી છે? તે સ્પષ્ટ થઇ શકતું નથી. કુતરાના દાંત સિવાયની ઇજાઓ પણ દેખાય છે જે શંકાસ્પદ છે.

ડીસીપીએ આજીડેમ પોલીસ, થોરાળા પોલીસ, બી-ડિવીઝન અને  ભકિતનગર પોલીસના સ્ટાફની ૪ ટીમો બનાવી આ બનાવમાં તપાસ કરવા સુચના આપી છે. તેમજ બાળાની ઓળખ મેળવવા સુચનો કર્યા છે. આજીડેમ પી.આઇ. વી. જે. ચાવડા, પીએસઆઇ સી.એચ. આસુન્દ્રા, કોૈશેન્દ્રસિંહ સહિત અને ડી. સ્ટાફની ટીમ તથા અન્ય ટીમો તપાસ કરી રહી છે. આ બાળકી વિશે કે તેણીને ત્યજી દેનારા વિશે કોઇની પાસે કંઇપણ માહિતી હોય તો આજીડેમ પોલીસને મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ અથવા પીઆઇ વી. જે. ચાવડા મો. ૮૪૬૯૯ ૯૬૬૯૯ અથવા પીએસઆઇ આસુન્દ્રા મો. ૯૭૧૨૯ ૨૪૨૮૬ ઉપર જાણ કરવા જણાવાયું છે. પોલીસ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખશે.

માસુમ ફૂલડા જેવી બાળાને તરછોડી દેનાર નિષ્ઠુર, નિર્દયીઓને શોધી કાઢવા પોલીસ જુદી-જુદી દિશામાં દોડધામ કરી રહી છે. બાળાની ડિલીવરી ઘરે થઇ કે પછી કોઇ નર્સિંગ હોમમાં? તેની માહિતે મેળવવા પણ તપાસ શરૂ કરવામાં આવશે.

(3:13 pm IST)