Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મુખ્યમંત્રી અને જયેશ રાદડિયા મંત્રી મંડળમાં હોવાથી

ગોવિંદભાઈને મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યુઃ હવે સંસદીય સચિવ પદની આશા

'હું નહિ તૂં...' મુખ્યમંત્રી રાજકોટના હોવાનું ગૌરવ લેવાની ગોવિંદભાઈને તક

રાજકોટ, તા. ૨૬ :. શહેરમાંથી ત્રીજી વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શ્રી ગોવિંદભાઈ પટેલને આજે મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ નથી. તેઓ આનંદીબેન પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી હતા પરંતુ શ્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમની સરકારમાં તેમને મંત્રી પદ મળેલ નહી. રૂપાણી અને જયેશ રાદડિયા મંત્રી મંડળમાં છે. બન્ને રાજકોટ શહેર જિલ્લાના હોવાથી ગોવિંદભાઈનું પત્તુ કપાઈ ગયાનું માનવામાં આવે છે. રાજકારણમાં ઉમેરા અને બાદબાકી માટે દેખીતા કારણો સિવાયના કારણો પણ હોય શકે છે.

સંસદીય સચિવ પદ કરતા રાજ્ય કક્ષાનુ મંત્રી પદ ઉચ્ચ કક્ષાનું ગણાય છે. ભૂતકાળમાં વાસણભાઈ આહિરને મંત્રી બનાવ્યા પછી સંસદીય સચિવ બનાવાયેલ તેથી ગોવિંદભાઈના કિસ્સામાં પણ એવુ થાય તેવી શકયતા નકારાતી નથી. હવે તેમના માટે સંસદીય સચિવ પદ અથવા ધારાસભા ગૃહને લગતી કોઈ વ્યવસ્થાની જવાબદારી મળવાની આશા છે. જો કે મુખ્યમંત્રી પોતે રાજકોટના હોવાથી ગોવિંદભાઈને તે બાબતે હસતા મોઢે ગૌરવ લેવાની તક હોવાનું કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે.

(5:40 pm IST)