Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

શહેર કોંગ્રેસમાં ‘યુધ્‍ધ' પહેલાની ‘શાંતિ': છુપો ઘુંઘવાટ

ચૂંટણીમાં અમુક નિષ્‍ક્રીય તો અમૂક ખેલ પાડયાની ફરિયાદોઃ ‘પેન ડ્રાઇવ' અને વિડીયો કલીપની છાનાખુણે ચર્ચા : ઉમેદવાર પસંદગી, ચૂંટણી કામગીરી અને ચૂંટણી પરિણામોની સીધી અસર કોંગ્રેસ સમિતિ તથા મનપા કોંગ્રેસ પક્ષમાં જોવા મળે તેવા નિર્દેશો : અસંતોષ અને ફરિયાદનો ભોરીંગ જીલ્લા કોંગ્રેસને પણ દઝાડે તેવા સંકેતો : કેન્‍દ્રીય નિરીક્ષકોએ પણ ખાનગીમાં જુથવાદની પ્રવૃતિ અંગે છુપો સર્વે કરાવ્‍યાની ચર્ચા

રાજકોટ, તા. ૨૬ :  આજે ભારત માતા કી જય અને વંદે માતરમ્‌ના ગગનભેદી વિજયઘોષ સાથે ગાંધીનગરમાં ભવ્‍ય શપથવિધિ થઈ છે ત્‍યારે રાજકોટ શહેર કોંગ્રેસમાં ચૂંટણી પરિણામો બાદ હજુ એકદમ શાંતિ જોવા મળે છે. જો કે આ શાંતિ યુદ્ધ પહેલાની ‘શાંતિ' હોવાના સંકેતો મળે છે. શહેરના કોંગ્રેસી જુથોમાં છુપો ઘુંઘવાટ ચાલી રહ્યા છે. નજીકના ભવિષ્‍યમાં જુથવાદનો ઘુંઘવાટ સ્‍પ્રીંગની જેમ ઉછળશે તેમ મનાય છે ત્‍યારે ‘પેન ડ્રાઈવ' અને ‘વીડીયો કલીપ' અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જુથબંધી, અસંતોષ તથા ટીકીટની ખેંચાખેંચીમાં કેટલાય વરવા એપીસોડ ભજવાયા છે. વિધાનસભા બેઠક ૬૮ અને ૭૧ માં તો ટીકીટવાંચ્‍છુઓ છેક દિલ્‍હી દોડી ગયા હતા અને રજુઆતોનો મારો ચલાવાયો હતો.

કોંગ્રેસમાં ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાની અંતિમ તારીખ સુધી કૈંક વરવા દ્રશ્‍યો સર્જાયા હતા અને જુથબંધીના નાટકો છેક મતદાન સુધી ભજવાયાના અહેવાલો મળે છે ત્‍યારે ઉમેદવારોની પસંદગી, ઉમેદવારી પત્રકો રજુ કરવા સમયે તથા બાદમાં પ્રચાર કાર્ય દરમ્‍યાન પણ ખેંચાખેંચી ચાલી હતી.

સાચા ઉમેદવાર કોણ ? પૂતળાદહનો, પક્ષવિરોધી પ્રવૃતિ, ભેદભાવ ભર્યા વલણ, પાડી દેવાના ખેલ, નિષ્‍ક્રીયતા સહિતની બાબતો વચ્‍ચે અંતે થયેલા મતદાન અને બાદમાં કોંગ્રેસ માટે આવેલા અભૂતપૂર્વ પરિણામોના કારણે કોંગ્રેસમાં યાદવાસ્‍થળીમાં વધારો નોંધાયાનું મનાય છે. જો કે ચૂંટણી પરિણામો બાદ એવી કોઈ ઘટના બહાર નથી આવી કે કોંગ્રેસની ઈમેજ વધુ ખરડાય.

એક માત્ર થોડા દિવસ પહેલા શહેરના કોંગ્રેસ અગ્રણીઓની બેઠક બોલાવવા બાબતે થોડી મડાગાંઠ સર્જાઇ હતી પરંતુ એક દુઃખ ઘટનાના પગલે હાલ તુર્ત એ વાત ઉપર પણ પડદો પડી ગયો હતો.

દરમ્‍યાન એમ કહેવાય છે કે શહેરના અલગ-અલગ જુથો દ્વારા ખાનગીમાં એકબીજા ઉપર દોષારોપણ થયા હોવાનું મનાય છે પરંતુ વિગતો જાહેરમાં આવી નથી.

કોંગ્રેસ હાઇકમાન્‍ડને ચોક્કસ આગેવાનો દ્વારા ‘પેન ડ્રાઇવ' ત્‍થા ‘વિડીયો કલીપીંગ' દ્વારા પણ ચોક્કસ પ્રવૃતિથી માહિતગાર કરાયાનું મનાય છે પરંતુ કોંગ્રેસમાં છાનાખુણે આ અંગે ચર્ચા છે પરંતુ કોઇ મગનું નામ મરી પાડતુ નથી.

હાલતૂર્ત તો પ્રદેશ કોંગ્રેસ શહેરો માટે અલગ રણનીતિ ઘડી રહી હોવાની વાતને લઈને જુથવાદનો કકળાટ શાંત છે પરંતુ રાજકોટ શહેર કોંગ્રેસની ઐતિહાસિક જુથવાદ પરંપરા એવી છે કે, અહીંયા તો ગમે ત્‍યારે જુથવાદનો ભોરીંગ માથુ ઉંચકી શકે છે.

દરમ્‍યાન એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે રાજકોટ શહેર કોંગ્રેસના આંતરીક જુથવાદની આગ અને ચોક્કસ પ્રવૃતિ રાજકોટ જીલ્લા કોંગ્રેસને પણ દઝાડી શકે છે અમુક ટોચના આગેવાન અંગે પણ ફરીયાદો ઉઠયાનું મનાય છે.

 

(5:16 pm IST)