Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સ્વ. લક્ષ્મણ મહેરા ઓપન રાજકોટ સુપર-૭ ફુટબોલમાં SSE ચેમ્પિયન

૧૮ ટીમો વચ્ચે ૩ દિવસ જામ્યો રોમાંચક મુકાબલોઃ ફાઈનલમાં રેલ્વે અને એસએસઈ વચ્ચે દિલધડક ટાઈ થયા બાદ પેનલ્ટી શુટઆઉટમાં રેલ્વેના હાથમાંથી ચેમ્પિયન ટ્રોફી સરી ગઈ : રાષ્ટ્રીય કક્ષાની નવ-નવ સંતોષ ટ્રોફી રમી રાજકોટ, રેલ્વે, ગુજરાતને ગૌરવ અપાવનાર સ્વ. લક્ષ્મણ મહેરા (લચ્છુ)ની યાદીમાં ટૂર્નામેન્ટ

રાજકોટઃ. માત્ર શહેર જ નહિ પરંતુ રાજકોટ રેલ્વે ડિવીઝન અને ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર સ્વર્ગસ્થ ફુટબોલર લક્ષ્મણ મહેરાની યાદમાં યોજાયેલી સ્વ. લક્ષ્મણ મહેરા મેમોરીયલ સુપર-૭ ફુટબોલ ચેમ્પિયનશીપમાં એસએસઈની ટીમ વિજેતા બની હતી. રેલ્વેની ટીમ રનર્સ અપ રહી હતી.

ગઈકાલે સાંજે એસએસઈ રાજકોટ ડિવીઝનલ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ રેલ્વે વચ્ચે સાંજે ૪ વાગ્યે રેલ્વે લોકો કોલોની (જામનગર રોડ) પરના લીલીછમ ફુટબોલ ગ્રાઉન્ડ ઉપર રમાયેલા દિલધડક મુકાબલામાં નિયત સમયના અંતે બન્ને ટીમો ૨ - ૨ ગોલની બરાબરી ઉપર રહી હતી. પેનલ્ટી શુટઆઉટમાં એસએસઈ વિજેતા થઈ હતી.

પ્રથમ હાફમાં એસએસઈ એ બે ગોલ કરી રેલ્વેની ટીમ પર ભારે દબાણ બનાવ્યુ હતુ. જો કે બીજા હાફમાં રેલ્વેની ટીમ મજબુતાઈથી ઉભરી આવી હતી અને છેલ્લી મીનીટે બીજો ગોલ ફટકરી બરાબરી ઉપર રહી હતી. રેફરી પેનલ દ્વારા પેનલ્ટી શુટઆઉટનો નિર્ણય કરાયો હતો. છેલ્લી મેચમાં પાછી ફરેલી રેલ્વે ઉપર જો કે પેનલ્ટી શુટઆઉટમાં પણ એસએસઈ હાવી રહી હતી. એસએસઈ દ્વારા બેની સામે રેલ્વે માત્ર એક પેનલ્ટી શુટઆઉટ ગોલ કરી શકી હતી.

આ મેચ બાદ રેલ્વેમાં જુદી જુદી રમતો માટે સમર્પિત બની પોતાનો કિંમતી સમય ફાળવતા શૈલેષ રાઠોડ (બાસ્કેટ બોલ), મનીષ મહેતા (ટેબલ ટેનીસ), જસ્મીન ઓઝા (લોન ટેનીસ), કૌશિક ચાવડા (બેડ મિન્ટન), લોકેશ ફોજદાર (એથ્લેટીકસ) અને સેન્ડીલ નાટકન (ક્રિકેટ)નું તેમના પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ.

તા. ૨૩થી ૨૫ ડીસેમ્બર દરમિયાન યોજાયેલી સ્વ. લક્ષ્મણ મહેરા સુપરલીગ ફુટબોલનું આયોજન વેસ્ટન રેલ્વે મજદુર સંઘ રાજકોટ ડિવીઝનના સેક્રેટરી હીરેન મહેતા અને સાથીદારો દ્વારા કરવામાં આવ્યુ હતું. આ ટૂર્નામેન્ટના વિજેતા અને રનર્સ અપ તેમજ ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર રમતવીરોને ઈનામોથી નવાજાયા હતા. ઈનામો રેલ્વેના ડિવીઝનલ મેનેજર શ્રી નિનાવે, સિનીયર ડી.ઓ.એમ. શ્રી અભિનવ જૈફ, શ્રી કશ્યપ શુકલ (કાઉન્સીલર), શ્રી જયદેવસિંહ જાડેજા (પત્રકાર), ડો. નિલેશ નિમાવત, સિનીયર ડી.ઈ.ઈ. શ્રી ચૌહાણ હસ્તે આપી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે રમત ગમતના મહત્વને ડીઆરએમ શ્રી નિનાવે અને કશ્યપ શુકલે મહત્વનું ગણાવ્યુ હતું.

આ તકે શ્રી બી.આર. સરગરા (સેક્રેટરી એસસી-એસટી), વનરાજસિંહ જાડેજા, બાલસિંહજી સરવૈયા, દર્શિત જાની, જે.પી. બારડ, સ્વ. લક્ષ્મણ મહેરાના ધર્મપત્નિ શ્રીમતિ મહેરા, પુત્રી સોનુ મહેરા ઉપરાંત મજદુર સંઘના પ્રફુલ્લાબેન, જયશ્રીબેન, દક્ષાબેન, ધર્મિષ્ઠા પૈજા ઉપસ્થિત રહ્યા હતા.

આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા હીરેન મહેતા, અજય ભટ્ટ, મયુરસિંહ, અજય આચાર્ય, હિતેશ સોલંકી, આર. પાન્ડે, રફીક બ્લોચ, અનિલ નાયર, મુન્નાભાઈ એ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ અવની ઓઝાએ કર્યુ હતું. તસ્વીરમાં ટૂર્નામેન્ટના ઉદઘાટન સમયે પ્રારંભિક મેચમાં ભાગ લેનાર ટીમની ઓળખવિધિ કરાવી રહેલા હીરેન મહેતા સાથે મુખ્ય મહેમાન સર્વશ્રી પી.બી. નિનાવે (ડીઆરએમ), શ્રી રામભાઈ મોકરીયા (મારૂતિ કુરીયર) નજરે પડે છે. ત્યાર બાદની તસ્વીરમાં મેચની રસાકસી, ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર ખેલાડીનું સ્વ. લક્ષ્મણ મહેરાના પત્નિ શ્રીમતિ મહેરા અને પુત્રી કુમારી સોનુ મહેરા દ્વારા ટ્રોફી એનાયત કરી થઈ રહેલુ સન્માન નજરે પડે છે. નીચેની તસ્વીરમાં ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી ત્યારની પ્રથમ તસ્વીર અને ઉપસ્થિત આમંત્રીતોમાં ડાબેથી ડો. નિલેશ નિમાવત, જયદેવસિંહ જાડેજા, હીરેન મહેતા, ડી.આર.એમ. શ્રી નિનાવે, કશ્યપ શુકલ અને દર્શિત જાની નજરે પડે છે.

(4:37 pm IST)