Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પદાધિકારીઓની મોટર ચાલી પમ..પમ..પમ

નવી સરકારની શપથવિધીમાં કોર્પોરેશનની ગાડીઓ ગાંધીનગર દોડી

પ્રજાના પૈસે પ્રવાસ... જલ્સા કર ભાઇ... જલ્સા કર....

રાજકોટ, તા., ૨૬: આજે ગાંધીનગર ખાતે નવી ભાજપ સરકારની શપથ વિધિ યોજાઇ હતી. જેમાં મ્યુ. કોર્પોરેશનનાં મેયર સહીતનાં પદાધિકારીઓ ઉપરાંત શહેરમાંથી હજારો ભાજપ કાર્યકરો અને સમર્થકો હાજરી આપવા ગાંધીનગર પહોંચ્યા હતા.

જેમાં મેયર સહીતનાં ત્રણેય પદાધિકારીઓને કોર્પોરેશન દ્વારા મળતી મોટરકારોમાં પણ ગાંધીનગર ખાતે કાર્યકરો પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ આજે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતનાં મંત્રી મંડળની શપથવિધિનો સમારોહ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો.

જેમાં રાજકોટથી શહેર ભાજપનાં હજારો કાર્યકરો બસ તેમજ મોટરકારો લઇને ગાંધીનગર પહોંચ્યા હતા.

દરમિયાન મેયર ડો. જૈમન ઉપાધ્યાય સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ અને ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ સહિતનાં પદાધિકારીઓને કોર્પોરેશન દ્વારા અપાતી મોટરકારો પણ આજે ગાંધીનગર ખાતે ગયેલ હોવાનું તંત્રનાં ચોપડે નોંધાયેલું છે. પરંતુ ગાંધીનગર કયાં કામથી કયા સ્થળે આ મોટરકાર લઇ જવામાં આવી રહી છે તેની કોઇ નોંધ નહી હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન આજે નવી ભાજપ સરકારની શપથવિધીમાં ત્રણેય પદાધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતાં. ત્યારે લોકમુખે એવુ ચર્ચાય છે કે 'પ્રજાનાં પૈસે મળતી સુવિધાઓમાં પક્ષનાં કાર્યક્રમોમાં હાજરી આપવા તંત્રની ગાડીઓનો ઉપયોગ થઇ રહ્યા છે.' તે બાબત ચર્ચાસ્પદ બની છે.

(4:35 pm IST)