Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

લૂંટ ચલાવનાર ચિખલીકર ગેંગે વધુ ૮ ચોરી કબૂલી : ત્રણ શખ્સો રિમાન્ડ પર

ક્રાઇમ બ્રાંચે વધુ મુદ્દામાલ રીકવર કર્યો : આવતીકાલે મેજીસ્ટ્રેટ સમક્ષ આારોપીઓની ઓળખ પરેડ કરાવાશે

રાજકોટ, તા. ર૬ : શહેરની બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં શિક્ષક પરિવારના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર ચિખલીકર ગેંગના ચાર શખ્સોને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતા. પકડાયેલા લૂંટારૂઓએ શહેરમાં ર૬ જગ્યાએથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસની વધુ પૂછપરછમાં ચારેય શખ્સોએ વધુ આઠથી દસ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી.

મળતી વિગત મુજબ બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહેતા શિક્ષક પરેશભાઇ માલીના મકાનમાં ગત શુક્રવારે વહેલી સવારે છ લૂંટારૂઓએ માલી પરિવારના પાંચ સભ્યો સામે રિવોલ્વર તાકી પરિવારજનોને ભયભીત કરી રૂા.૩.૬૮ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ પપૈયાવાડી પ્રહલાદ પ્લોટ એસ્ટ્રોન સોસાયટી, યુનિવર્સિટી રોડ પરના એપાર્ટમેન્ટમાં ત્રાટકી આખીરાત શહેરને ધમરોળ્યું હતું. દરમ્યાન ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ચખલીકર ગેંગના એક સગીર સહિત ચાર શખ્સોને ઝડપી લઇ સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ મળી રૂા. ૬.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પૂછપરછ કરતા આ ગેંગે છેલ્લા ત્રણ માસમાં ર૬ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી. બાર પોલીસે પકડેલા જોગેન્દ્રસીંગ મહેન્દ્રસીંગ રાઠોડ, હરવિંદરસીંગ દયાસીંગ દુદાણી અને ગુરમુગસિંગ મહેન્દ્રસીંગ રાઠોડને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ તા. ૩૦ સુધીના રિમાન્ડ અપાયા હતાં. પોલીસે ત્રણેયની વધુ પૂછપરછ કરતા વધુ આઠથી દસ ચોરીનો ભેદ ખૂલ્યો હતો. આ મામલે પોલીસ આવતીકાલે લૂંટ અને ધાડમાં ભોગ બનનાર માલી પરિવારના ફરીયાદીને સાથે રાખીને આરોપીઓની મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવશે.

(4:35 pm IST)