Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જન્મ નોંધમાં નામ ન હોયતો જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં નોંધાવી લ્યો : તંત્રની અપીલ

૨૦૦૪ પહેલા જન્મેલા લોકો માટે ૧ વર્ષની છુટછાટ અપાઇ છેઃ બંછાનિધી પાની

રાજકોટ,તા૨૬ :  દ્યણા કિસ્સાઓમાં પોતાના સંતાનના જન્મ બાદ વાલીઓ સંતાનનું નામ જન્મ નોંધમાં દાખલ કરવાનું ભૂલી જતા હોય છે. સરકારશ્રીએ તા. ૨૨ જાન્યુઆરી ૨૦૦૪ પહેલા જન્મેલા બાળકોના નામ નોંધાવવાના બાકી હોય તેવી જન્મ નોંધમા તા. ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં રજીસ્ટરમાં નામ દાખલ કરાવી શકાય તે માટે ખાસ મંજૂરી આપી છે. સબબ સંબંધિત લોકો આ ખાસ છુટછાટનો લાભ લઇ તેઓની અધુરી સરકારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી ભવિષ્યના પ્રશ્નો તાળી શકે છે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

જન્મ મરણ અધિનીયમ ૧૯૬૯ ની કલમ ૧૪ મુજબ બાળકના જન્મની નોંધણી બાદ ૧૫ વર્ષ સુધી તે બાળકનું નામ જન્મ નોંધમાં દાખલ કરાવવાનું હોય છે. ધણા જ કિસ્સાઓમાં બાળકના વાલી તરફથી બાળકના જન્મની નોંધણી થાય છે પરંતુ તે બાળકનું નામ દાખલ કરાવવાનું બાકી રહેલ છે. આવા કિસ્સાઓ અને સામાજીક પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારશ્રી તરફથી પરિપત્ર નં. એસબીએચઆઇ/બીએન્ડડી/ માર્ગદર્શન/ ૨૫૩૮-૨૯૪૧/ વીએસ -૦૯ તા. ૧૨ ઓગસ્ટ ૨૦૦૯ થી જાહેર કરેલ છે કે તા. ૨૨ જાન્યુઆરી ૨૦૦૪ પહેલા જન્મેલા બાળકોના નામ જન્મ નોંધમાં દાખલ કરવાના બાકી હોય તેવી જન્મ નોંધમા તા. ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં રજીસ્ટરમાં નામ દાખલ કરાવી લેવાના રહેશે. આ અંગે મ્યુનિ. કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવી બાકી રહેલ જન્મ નોંધણીમાં બાળકના નામ દાખલ કરાવવા સારૂ જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. કે તેઓ સત્વરે બાળકના નામની નોંધણી બાકી રહી ગયેલ હોય તેઓ નામની નોંધણી જન્મ રજીસ્ટરમાં દાખલ થયેલ છે તે ચકાસે અને જો નોંધ બાકી હોય તો સમય મર્યાદામાં નામ દાખલ કરાવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(4:35 pm IST)