Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જેના નામનો અર્થ જ 'કિનારો' થાય છે તેવા યુવાન રાજકોટના 'સાહિલ'ને દિવનો દરિયો તાણી ગયો!

જામનગર રોડ સ્લમ કવાર્ટરથી રજાની મજા માણવા ગયેલા મિત્રો સાથે સર્જાઇ કરૂણાંતિકા : ચાર-પાંચ મિત્રો નાગવા બીચ પર ન્હાતા હતાં તેમાંથી સાહિલ પરમાર (ઉ.૧૯)નું ડૂબી જતાં મોતઃ વાલ્મિકી પરિવારમાં કલ્પાંત : નાનો ભાઇ ગુમાવનાર મોટા ભાઇ રાહુલે ભારે વ્યથા સાથે કહ્યું-આજના યુવાનોએ મોજમસ્તીની સાથે તકેદારી પણ રાખવી જોઇએ અને માતા-પિતાએ પણ ચેતવું જોઇએ

રાજકોટ તા. ૨૬: 'સાહિલ'...આ નામનો અર્થ જ 'કિનારો' થાય છે. પરંતુ  ખુદ 'કિનારો' જ સમુદ્રમાં તણાઇ જાય તો?!...આવી જ એક ઘટનામાં રાજકોટનો સાહિલ નામનો યુવાન દિવના નાગવા બીચ પર મિત્રો સાથે ન્હાતી વખતે દરિયામાં ગરક થઇ જતાં મોત નિપજ્યું છે. જેના કારણે જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં વાલ્મિકી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રજાની મજા માણવા ગયેલા મિત્રોએ એક જીગરીને ગૂમાવતાં મિત્રોની મજા શોકમાં પરિણમી છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં માતા સંગીતાબેન, મોટા ભાઇ રાહુલભાઇ અને બહેન રેણુકાબેન સાથે રહેતો અને અમદાવાદની એક કંપનીની લેબોરેટરીમાં કલેકશન બોય તરીકે કામ કરતો સાહિલ અમૃતલાલ પરમાર (ઉ.૧૯) નામનો યુવાન રવિવારે આસપાસમાં રહેતાં બીજા છએક મિત્રો સાથે મળી ઇકો કાર ભાડે બાંધી રજાની મજા માણવા દિવ ગયો હતો. નાતાલમાં રવિ-સોમની રજા આવી હોઇ રવિવારે રાત્રે આ બધા મિત્રો હર્ષોલ્લાસ સાથે રવાના થયા હતાં પણ ત્યારે કોઇને કયાં ખબર હતી કે આ મિત્રોમાંથી એકની જિંદગી જ ખતમ થઇ જશે!?

સોમવારે બપોર બાદ બધા મિત્રો નાગવા બીચ પર ફરવા ગયા હતાં. જ્યાં અન્ય સહેલાણીઓને ન્હાતા જોઇ સાહિલ અને સાથેના મિત્રો પણ પોતાને દરિયાના મોજામાં મજા માણવા જતાં અટકાવી શકયા નહોતાં. પણ કાળ જાણે સાહિલની રાહ જોઇને બેઠો હોય તેમ બધા મિત્રોની વચ્ચેથી તે અચાનક મોટુ મોજુ આવતાં અંદર ખેંચાઇ ગયો હતો. સાથેના મિત્રો અને અન્ય સહેલાણીઓ હેબતાઇ જતાં તુરત જ પોલીસને જાણ કરી હતી. બચાવ ટૂકડી પહોંચી ગઇ હતી. પરંતુ સાહિલનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો...ખુદ સાહિલ (કિનારો) જ દરિયામાં ગરક થઇ ગયો!. દિવ પોલીસે રાજકોટ જાણ કરતાં મૃતક સાહિલના મોટા ભાઇ રાહુલભાઇ સહિતના ત્યાં પહોંચ્યા હતાં અને આજે સવારે મૃતદેહ લઇ રાજકોટ આવવા નીકળ્યા હતાં. રાહુલભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે ભારે વ્યથા સાથે કહ્યું હતું કે આજના યુવાનો મોજમસ્તીથી ભરપુર જિંદગી જીવતા થયા છે, તેમાં વાંધો નથી પરંતુ સાથોસાથ તકેદારી રાખવી જોઇએ. માતા-પિતા, વાલીઓએ પણ સંતાનો પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે. અમે તો અમારો સ્વજન ગુમાવ્યો છે. બીજા લોકો ચેતે એ જરૂરી છે.

મૃત્યુ પામનાર સાહિલ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેના પિતા હયાત નથી. માતા સંગીતાબેન આઇટીઆઇમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. યુવાન કંધોતરને ગુમાવતાં તેઓ પણ હતપ્રભ થઇ ગયા હતાં. આ બનાવથી સ્લમ કવાર્ટર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

દિવ પોલીસની પણ યાત્રીઓને સાવધાની રાખવા અપિલ

. દિવ પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં રજાનો માહોલ હોઇ દિવ ખાતે સોૈરાષ્ટ્રભરમાંથી તેમજ અમદાવાદ તરફથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતાં હોઇ ચુસ્ત બંદોબસ્ત રખાયો છે. અહિ બધા મોજમસ્તી, આનંદ કિલ્લોલ માટે આવે છે. ખાસ કરીને અહિ આવતાં યુવાનોએ મજાની પળો સજામાં પલ્ટાઇ ન જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

(3:54 pm IST)