Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જૈન કન્યા સુસંસ્કાર તીર્થના પ્રાંગણે શુક્રવારથી ત્રિદિવસીય એકાસન જીવદયા તપ આરાધના

પૂ.જનકમુનિ મ.સા.ના શનિવારે સાતમા સ્મૃતિદિન ઉપલક્ષે :તપસ્વીઓએ ગુરૂવાર સુધીમાં નામ નોંધવી દેવા

રાજકોટ,તા.૨૬ : ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુ અને તપસમ્રાટ પૂ.ગુરુદેશ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્યરત્ન અનાશકતયોગી આગમદિવાકર પૂ.ગુરુદેવશ્રી જનકમુનિ મ.સા.ની ૭મી પુણ્યસ્મૃતિ દિન તા.૩૦ શનીવારના આવી રહેલ હોય, આ દિવ્યદિન ઉપલક્ષે તા.૨૯/૩૦/૩૧ ડીસેમ્બર શુક્રવાર, શનીવાર, રવિવારના સરળ સમ્રાટ ગાદીપતિ પૂ. ગિરિશમુનિ મ.સા.ના અંતેવાસી શિષ્ય આત્મદિવાકર પૂ.સુશાંતમુનિ મ.સા. પરમ સાનિધ્યે એવમ્ સાધ્વી સંયમ વરિષ્ઠા પૂ.ગુલાબબાઈ મ.સ.ની કૃપાશિષે તથા શાસનચંદ્રિકા, પૂ.હીરાબાઈ મ. વિશાળ પરીવારધારક પૂ.મુકત લીલમ ગુરુણીના સુશિષ્યાઓ આદર્શયોગિની પૂ.પ્રભાબાઈ મ.અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મ. સરલ સ્વભાવી પૂ.સાધનાબાઈ મ.આદિ મહાસતીજી વૃંદની પ્રેરક ઉપસ્થિતિમાં અદ્યતન એવા જૈન કન્યા સુસંસ્કાર તીર્થના પાવન પ્રાંગણે અને શ્રી વર્ધમાન સેવા સંઘ પ્રેરિત સમસ્ત રાજકોટના સ્થા.જૈન શ્રાવક ભાઈઓ બહેનો માટે ''ત્રિદિસવીય એકાસન જીવદયા તપ આરાધના''નું ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે.

ત્રિદિવસીય આ તપભીના આયોજન અંતર્ગત શુક્રવાર, શનિવાર, રવિવારના સવારે ૯ થી ૧૦ ભકતામર પ્રાર્થના, ૧૦ થી ૧૧ આત્મલક્ષી પ્રવચન ૧૧ થી ૧૨ જાપ આરાધના, બપોરના ૧૨ થી ૧ એકાસણુ, ૨:૩૦ થી ૪:૩૦ જ્ઞાનવર્ધક સંસ્કાર શિબિર અને સંધ્યાકાલે પ્રતિક્રમણ જૈન કન્યા સુસંસ્કાર તીર્થના પૂ.ગુરુદેવના સ્મૃતિભવનમાં રાખવામાં આવેલ છે. તા.૩૧ રવિવારના સવારે ૧૦ થી ૧૧:૩૦ શ્રી ગુરુઋણ મુકિતને ગુરુભકિત ગુણ ઉપર જાહેર આત્મલક્ષી પ્રવચનસભા તથા ત્રણેય દિવસ વચ્ચે સરપ્રાઈઝ પ્રોગ્રામ પણ થશે.

ત્રિદિવસીય તપમાં જોડાવવા ઈચ્છુક તપસ્વીઓએ સામાયિક ઉપકરણ સાથે લાવવાનું છે તેમજ સવારે ૯ પહેલા આવીને પાસમાં હાજરી પુરાવવાની રહેશે. તા.૨૮ ગુરૂવાર પહેલા શેઠ ઉપાશ્રય જૈન સંઘ અથવા મનહર પ્લોટ જૈન સંઘ શેઠ પૌષધશાળાએ પોતાના નામ લખાવી અને પાસ મેળવી લેવાના રહેશે.

એકાસન જીવદયા તપ આરાધનાના આયોજનમાં સુસંસ્કાર તીર્થના ચંદ્રકાંતભાઈ દફતરી, રાકેશભાઈ ગોપાણી, સી.એમ.શેઠ,  ડોલરભાઈ કોઠારી, મનોજભાઈ પારેખ, મયુરભાઈ અને કુમારભાઈ શાહ તેમજ પૂ.ગુરુદેવના અંતરીક્ષમાંથી આશીર્વાદ પ્રાપ્ત કરી આ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહેલ ૯૬ દિકરીઓએ પણ ખાસ અનુરોધ કરેલ છે.

(3:53 pm IST)