Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ખેડૂતોની ક્રુર મશ્કરી...ખેડૂતો ભગવાન ભરોસે...

કપાસના ખરીફ પાક વીમાની રકમ ચુકવવામાં પણ સરકારની દાંડાઈઃ કુંવરજીભાઈ : રાજકોટ જિલ્લામાંથી પ્રિમીયમરૂપે ૮૦૦ કરોડ વસુલ્યાઃ ન છુટકે આંદોલનની ફરજ પડશે

રાજકોટ : જિલ્લામાં ગત વર્ષે વરસાદ નબળો પડયો, કેટલાય ગામો અછત-અર્ધ અછતગ્રસ્ત જાહેર કર્યા. આખાય જિલ્લામાંથી સરકારે ખેડૂતો પાસેથી ૫૫૦ કરોડ રૂપિયા મગફળી પ્રીમીયમનાં અને ૨૫૦ કરોડ જે કપાસનાં પ્રીમીયમની રકમ મળી કુલ ૮૦૦ કરોડની રકમ ખેડૂતો પાસેથી વસુલ કરેલ. કપાસ અને મગફળીનાં પ્રીમીયમની કુલ ૮૦૦ કરોડ પ્રીમીયમ પેટે પૈકીનાં ખેડૂતનાં તેમજ સરકાર પાસેથી મગફળીનાં ૪૪ટકા લેખે અને ૨૫ ટકા લેખે કપાસનાં પ્રીમીયમ પેટે વસુલેલ. આટલી મોટી રકમ વસુલ કર્યા પછી મોડેથી મગફળીનાં પાકવીમાની રકમ શૂન્ય ટકાથી કરી ૧૬ ટકા સુધી પાકવીમાની રકમ ખેડૂતોની ક્રુર મશ્કરી કરી હોવાનું ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ગત વર્ષ ૨૦૧૬-૧૭નાં કપાસનાં ખરીફ પાક જેની ખેડૂતો પાસેથી આવડી મોટી રકમ પ્રીમીયમ પેટે વસુલ કર્યા પછી રાજકોટ જિલ્લામાં ચુકવવાનાં થતાં પાકવીમાની રકમ આજેય રાજય સરકાર કોઈ નોંધ લેતા નથી. તેનો આજ દિવસ સુધી વીમા ચુકવણા અંગેનાં હિસાબો પણ થયા નથી. ભૂતકાળમાં યુપીએની કેન્દ્ર સરકાર હસ્તકની સરકારી કંપની મારફતે પાકવીમાની પ્રક્રિયા કરવામાં આવતી અને સમયસર ચુકવણું કરવામાં આવતું. ત્યારબાદ આ ચાલુ સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનાં રૂપકડા નામ હેઠળ આ પાકવીમાની પ્રક્રિયા ખાનગી ચાર કંપનીઓને સોંપી દેતા આ કંપનીઓની દાંડાઈ અને નફો મેળવવાનાં વલણને કારણે અને કયાંક સરકારની મીલીભગતને કારણે ખેડૂતોને પાકવીમામાં નુકશાન થઈ રહ્યું છે અને લાંબો સમય થવા છતાં પણ કપાસનાં પાકવીમાનું હજુ ચુકવણું કરવામાં આવેલ નથી.

૨૦૧૬-૧૭ નાં ખરીફ કપાસનાં પાકવીમાની રકમ જે ૨૫૦ કરોડ જેવી ચુકવવાની થાય છે તે વહેલી તકે ચુકવાય તેવી માંગણી છે. જો તેમ કરવામાં નહિં આવે તો ખેડૂતોની કપાસ પાકવીમા અંગે જાગૃત કરી આંદાલન કરવાની ફરજ પડશે. તેમ શ્રી બાવળીયાએ અંતમાં જણાવ્યું છે.

(1:36 pm IST)