Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

હસતાં રમતાં સાવ અચાનક... સિમેન્ટનું ચાપણીયું માથે પડતાં ૧૩ વર્ષના પ્રવિણનું મોતઃ બે મિત્રોના પગ ભાંગ્યા

આજીડેમ પાસે ભીમરાવનગરમાં બનાવઃ લાડકવાયાના મોતથી દુમાદીયા (કોળી) પરિવારજનોમાં કલ્પાંતઃ મૃત્યુ પામનારના ૧૨-૧૨ વર્ષના બે મિત્રો કાનો અને સુનિલ કોળી સારવાર હેઠળ

મૃત્યુ પામનાર પ્રવિણનો ફાઇલ ફોટો તથા સારવારમાં રહેલા તેના મિત્રો કાનો અને સુનિલ જાઇ શકાય છે

રાજકોટ તા. ૨૬: આજીડેમ પાસે ભીમરાવનગરમાં ઘર નજીક રમી રહેલા કોળી પરિવારોના ત્રણ બાળકો સાથે દુર્ઘટના બની હતી. જેમાં ઍકનો ભોગ લેવાયો હતો. મકાનની દિવાલ પરનું સિમેન્ટનું વજનદાર ચાપણીયુ ઍકાઍક માથે પડતાં તેર અને બાર-બાર વર્ષના ત્રણ મિત્રોને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં તેર વર્ષના ટેણીયાનું મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. અન્ય બે મિત્રોના પગ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરાયા છે.

જાણવા મળ્યા મુજબ ભીમરાવનગરમાં રહેતાં અને માન સરોવર પાર્ક પાસે સરકારી શાળામાં અભ્યાસ કરતાં પ્રવિણ સુરેશભાઇ દુમાદીયા (કોળી) (ઉ.૧૩) તથા બાજુમાં જ રહેતાં અને અન્ય શાળામાં ભણતાં તેના મિત્રો કાનો જયંતિભાઇ ભરડીયા (કોળી) (ઉ.૧૨) તથા સુનિલ મનસુખભાઇ વેજીયા (કોળી) (ઉ.૧૨)ને ગઇકાલે નાતાલ નિમીતે શાળામાં રજા હોઇ ત્રણેય સાંજે પોણા ચારેક વાગ્યે ઘર પાસે રમી રહ્ના હતાં. આ વખતે પ્રવિણના ઘરની દિવાલ પરથી કોઇપણ કારણોસર સિમેન્ટનું વજનદાર ચાપણીયું ધસી આવતાં ત્રણેય મિત્રો દબાઇ જતાં ગંભીર ઇજાઅો થઇ હતી.

દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ત્રણેયના પરિવારજનો આવી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ માથા અને પગમાં ગંભીર ઇજા સાથે આવેલા પ્રવિણે દમ તોડી દીધો હતો. જ્યારે કાના અને સુનિલને પગમાં ફ્રેકચર હોઇ દાખલ કરવામાં આવ્યા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. ડી.ઍચ. નાયડાઍ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના પી.ઍસ.આઇ. આર. બી. વાઘેલાઍ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર પ્રવિણ બે ભાઇમાં મોટો હતો. નાના ભાઇનું નામ રોહન છે. તેના પિતા સુરેશભાઇ વિહાભાઇ દુમાદીયા કારખાનામાં મજૂરી કરે છે. માતાનું નામ ચંપાબેન છે. લાડકવાયાના મોતથી પરિવારજનો શોકમાં ડુબી ગયા છે.

(12:07 pm IST)