Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જૈનોના ચાતુર્માસની રવિવારે પૂર્ણાહુતિ : ચાતુર્માસ પાખી

ચાતુર્માસ પૂર્ણ થતાં જૈનોના પૂ. સાધુ - સાધ્વીજીઓ 'ઠાણા ઓઠાણં' એક સ્થાનકેથી અન્ય સ્થાને વિહાર કરશે

રાજકોટઃ તીર્થકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ - સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થાનકે સ્થિરતા કરી સ્વયંની સાધના કરતાં હોય છે અને હળુ કર્મી આત્માઓને પણ આત્મ સાધનામાં જોડતાં હોય છે.કારતક વદ એકમ આવે એટલે પ્રભુની આજ્ઞા મુજબ સેવં ણચા તઓ સંજયામેવ ગામાણુગામં દુઈજેજા..અર્થાત્ જીવોની ઉત્પતિ ઓછી થઈ ગઇ હોય એટલે સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરે.( આચારાંગ સૂત્ર અ.૩).પ્રભુ મહાવીર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ના બીજા અ.માં કહે છે કે વિહાર એ પરિસહ છે.ભિક્ષા અને પાદ વિહાર એ બે એવા જ્ઞાનના સાધનો છે કે જે જ્ઞાન ભૂગોળ કે માનસ શાસ્ત્ર પણ ન આપી શકે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સોમવાર તા. ૨૯ ના સ્થા.જૈનોની ચૌપાખી છે.સાધુ તો વિચરતાં ભલા.

વિહારચરિયા ઈસિણં પસત્થા..

તીર્થકર પરમાત્માઓએ વિહાર યાત્રાને કલ્યાણકારક બતાવેલ છે....(શ્રી દશ વૈકાલિક સૂત્ર)

રાજકોટ જૈન તપ ગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈએ જણાવ્યું કે મૂર્તિપૂજક સમુદાયનાં પૂ.સાધુ - સાધ્વીજીઓ સોમવારથી એક સ્થાનેથી અન્ય સ્થાનકે વિહાર કરશે.

જૈન શાસ્ત્રોમાં સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ આવે છે. વર્ષાકાળ સિવાય સાધુ - મુનિરાજો એક જ સ્થાનકે ૨૯ દિવસ અને સાધ્વીજીઓ ૫૯ દિવસ શેષ કાળ રહી શકે છે.

જેવી રીતે સરકારી ખાતાઓમાં અમુક પોસ્ટ એવી હોય છે જેમ કે કલેકટર, કમિશનર, ન્યાયધીશ વગેરેને સરકાર લાંબા સમય સુધી એક જ સ્થાન પર રહેવા દેતાં નથી પરંતુ તેઓની અન્ય સ્થાને બદલી થતી રહેતી હોય છે ,તેવી જ રીતે અનંતજ્ઞાની ભગવંતોએ પણ અપાર કરૂણા કરી કલ્પ અનુસાર જીવન જીવવાની આજ્ઞા ફરમાવેલ છે કે સાધુ - સંતો પણ રાગભાવ કે મોહપાશમાં ફસાઈ નહીં.એક જ સ્થાનકે ચાર માસથી વધારે ગાઢાગાઢ કારણ સિવાય સ્થિરતા કરવાથી ભાવિકોના ભકિત ભાવમાં પણ કયારેક ઓટ આવી જાય છે. સાધુ - સંતો પણ પ્રભુની આજ્ઞાનું ઊલ્લંઘન કરી ખાન - પાનમાં આસકત બની જાય તો તેઓના આત્મા માટે પણ નુકસાનકારક છે.આ માટે કંડરીક મુનિ અને શૈલેક રાજેર્ષી મુનિનાં દ્રષ્ટાંતો ગ્રંથોમાં સુપ્રચલિત છે.

જૈન આગમોમાં સાધકો માટે ઠેર - ઠેર વાંચવા મળે કે સંજમેણં તવસા અપ્પાણં ભાવે માણે વિહરઈ... અર્થાત્ સંસારનો ત્યાગ કરી પ્રવજયા અંગીકાર કરી સાધક સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરી વિચરતો હોય.ઉ.સૂત્ર ના અધ્યયન ૧૪ માં આગમકાર ભગવંતો ફરમાવે છે કે લહુભૂય વિહારિણો.. પક્ષી અને વાયુની જેમ અપ્રતિબદ્વ પણે વિહાર કરે.પરમાત્મા કહે છે મુનિના સત્તાવીશ ગુણોથી સમૃદ્ઘ, ત્રિગુપ્તિ ગુપ્ત, ત્રિદંડ નિવૃત, પ્રતિબંધમુકત તથા પક્ષીની જેમ મોહ રહિત થઈ ને પૃથ્વી પર વિચરણ કરે.(ઉ.સૂત્ર અ.૨૦,ગાથા૬૦).

કવિ પ્રવિણભાઈ દેસાઈ કહે છે તેમ...

'પાવન પંથી પ્રવાસીના કદમ ના રૂકે,હ્રદય ના ઝૂકે,કસોટી મહીં પણ ધરમ ના ચૂકે, ધરમ ના ચૂકે, કેડીમાં આવે કાંટા અને ઝાંખરા, ઉડે કાંકરા, જે મારગ લીધો તે કદી ના મૂકે, કદી ના મૂકે.'

પરમાત્મા કહે છે...જેમ પંખી ચારો ચણવાનું કામ પુરુ થઈ જાય એટલે બીજું કશું જ સાથે લીધા વિના માત્ર પોતાની પાંખો સાથે લઈને ઊડી જાય છે તેમ નિગ્રંથ સંતો પણ માત્ર પોતાના ઉપકરણો - એટલે કે મુહપતિ,રજોહરણ,પાત્રા વગેરે સાથે લઈને ભારંડ પક્ષીની માફક અપ્રમત્તપણે વિચરણ કરે છે.(ઉ.સૂ.અ.૬,ગાથા ૧૬).

કહેવાય છે કે વ્હેતાં પાણી નિર્મળા...તેમ પૂ.સંતો પણ પોતાના આત્માને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે પરમાત્માની આજ્ઞા અનુસાર સાધુ તો વિચરતા ભલા એ ઉકિત અનુસાર કારતક વદ એકમ આવે એટલે ઠાણા ઓ ઠાણં અર્થાત્ એક સ્થાનેથી અન્ય સ્થાને પગપાળા વિહાર કરે છે.

બોટાદના શીઘ્ર કવિ પ્રવિણભાઈ દેસાઈની પંકિત યાદ આવ્યા વગર રહે નહીં.

'ના છત્ર ધરે કદી તડકામાં, ના બેસે કદી વાહનમાં,

મારગ હો ચાહે કાંટાળો ,પહેરેના કાંઈ પગમાં,

હાથેથી સઘળા વાળ ચૂંટી મસ્તક મૂંડન કરનારા...

દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા,

આ છે અણગાર અમારા.'

સંકલનઃ મનોજ ડેલીવાળા,

રાજકોટ મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(11:38 am IST)