Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

માંડા ડુંગર પાસે માધવ વાટીકામાં હનુમાનજીની દેરી બનાવવા મામલે ધબધબાટીઃ ત્રણ ઘવાયા

કરણ ઉર્ફ કલ્પેશ મહેતા અને સામા પક્ષે હાર્દિક કુમારખાણીયા તથા તેના દાદી જમનાબેનને ઇજાઃ સામ-સામી ફરિયાદ

રાજકોટ તા. ૨૬: આજીડેમથી આગળ માંડા ડુંગર નજીક માધવ વાટીકા સોસાયટીમાં બંધ શેરીમાં હનુમાનજીની દેરી બનાવવા બાબતે કોળી અને બ્રાહ્મણ પરિવારો વચ્ચે ધોકા-પાઇપથી મારામારી થતાં ત્રણને ઇજા થતાં સારવાર લેવી પડી હતી. આજીડેમ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી.

માધવ વાટીકા-૧માં રહેતો અને કારખાનામાં કામ કરતો કલ્પેશ ઉર્ફ કરણ રાજનીકાંતભાઇ મહેતા (ઉ.૨૦) નામનો બ્રાહ્મણ યુવાન પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી પોલીસે હાર્દિક કુમારખાણીયા (કોળી), તેના પિતા વલ્લભભાઇ, જયસુખ તથા મનસુખ કુમારખાણીયા સામે ગુનો નોંધ્યો હતો. હાર્દિકના કહેવા મુજબ શેરીના ખુણે હનુમાનજીની નાની દેરી બનાવવાની હતી. આ બાબતે અગાઉ કોળી પરિવારને પુછ્યું હતું અને તેણે હા પાડી હતી. ગઇકાલે દેરી બનાવવા માટે ઇંટો લાવવામાં આવી ત્યારે હાર્દિક સહિતનાએ દેરી બનાવવાની ના પાડી ગાળાગાળી કરી ધોકા-પાઇથી હુમલો કરી પોતાને શરીર અને કપાળે ઇજા કરી હતી.

સામા પક્ષે માધવ વાટીકામાં જ રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં હાર્દિક વલ્લભભાઇ કુમારખાણીયા (ઉ.૧૯) તથા તેના દાદી જમનાબેન ભીમાભાઇ કુમારખાણીયા (ઉ.૭૫) પણ ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થતાં હાર્દિકની ફરિયાદ પરથી કલ્પેશ મહેતા, કિશન મહેતા, મનિષ પરમાર અને ભરત પરમાર સામે ગુનો નોંધાયો હતો. હાર્દિકના કહેવા મુજબ તેના ઘર પાસે દેરી બનાવવા માટે ઇંટો ઠાલવવામાં આવતી હોઇ તેના પિતાએ દેરી બનાવવાની ના પાડતાં ગાળો દઇ ધોકાથી હુમલો કરાયો હતો. જેમાં વચ્ચે પડેલા દાદીમા પણ ઘવાયા હતાં. એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ બંને ફરિયાદ નોંધી હતી.

(3:33 pm IST)