Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મહિલા પોલીસ સ્ટેશન દ્વારા નવતર પ્રયોગઃ વિવિધ પ્રશ્નો સબબ થયેલી ૧૦૬ અરજીઓમાં કરાવ્યું સમાધાન

તણ અરજીમાં સમાધાન ન થતાં અટકાયતી પગલા લેવાયાઃ અરજદારો અને સામેના પક્ષના મળી ૧૫૦૦ લોકોની હાજરી

રાજકોટઃ 'સાહેબ અમારા પતિ ઘર ખર્ચના પૈસા નથી આપતા, છોકરાઓના ભણતરના પુરા પૈસા અપાતા નથી, સાસુ કામ બાબતે કચકચ કરે છે, નણંદ ચઢામણી કરે છે, પતિ દારૂ પી હેરાન કરે છે...' આવા અનેક નાના-મોટા પ્રશ્નો સાથેની ૧૦૬ અરજીનો મહિલા પોલીસ મથકના દ્વારા યોજાયેલા સેમિનારમાં સુખદ સમાધાન સાથે નિકાલ થયો છે. રવિવારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી દક્ષિણ ક્રિષ્નાબા ડાભીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અને મહિલા પોલીસ દ્વારા હેડકવાર્ટર ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં અરજદારો અને સામેના પક્ષના મળી ૧૫૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતાં. પોલીસે તમામ અરજીઓ સાંભળી બંને પક્ષને સમજાવ્યા હતાં. પોલીસની સમાધાનકારી વલણની વિગતો બંને પક્ષને ગળે ઉતરી જતાં ૧૦૬ અરજીઓમાં સમાધાનનો રસ્તો અપનાવી લેવાયો હતો. ત્રણ અરજીમાં સમાધાન શકય ન બનતા અટકાયતી પગલાની કાર્યવાહી થઇ હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રિષ્નાબા ડાભીએ ખાસ હાજરી આપી અરજદારોને સાંભળ્યા હતાં અને સમજાવ્યા હતાં. પી.આઇ. આર. વાય. રાવલ અને ટીમે ઉસ્તાહથી આ સેમિનારમાં કામગીરી કરી હતી. જે અરજીઓ થઇ હતી તેના અરજદારોને ફોન નંબર પણ અપાયા હતાં અને હવે પછી કોઇ તકલીફ પડે તો સીધો ફોન જોડવા જણાવાયું હતું. સેમિનારની તસ્વીરોમાં અધિકારીઓ, અરજદારો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:27 pm IST)