Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

રાત્રે કૂતરા ભસે અને પકડાય જાય તો ચોર-ચોરની બૂમો પડે...દિવસે આવું ન થાય એ માટે દિવસે જ ચોરી કરતાં: આંતરરાજ્ય ચોર ત્રિપૂટીની કબૂલાત

રાજકોટમાં હાથફેરો કરે એ પહેલા ઝડપી લેવાયાઃ ૩.૭૬ લાખનો મુદ્દામાલ થયો કબ્જેઃ સુરેન્દ્રનગરની ૯ લાખની ચોરીમાં પણ સંડોવણીઃ ઇન્દોરના જગદીશ ઠાકુર, પ્રકાશ કુશવાહા અને સંજય ઓલીને ક્રાઇમ બ્રાંચના ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા અને રવિરાજસિંહ પરમારની બાતમી પરથી પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટીમે દબોચ્યાઃ રાજ્યભરમાં ૨૭ ગુના આચર્યા હતાં: જે તે વિસ્તારમાં જઇ ગમે તેની નેઇમ પ્લેટ વાંચી લે, ત્યાંથી આગળ જઇ બંધ ઘર હોય તો પણ ડેલી ખખડાવતાં જો કોઇ બારીમાંથી જવાબ આપે તો આગળ નામ વાંચ્યું હોય તેનું સરનામુ પુછે અને કોઇ ન હોય તો તાળુ તોડી ઘુસી જતાં: ઘણીવાર તાળાવાળા ઘરમાં પણ લોકોની હાજરી મળી હોઇ જેથી બંધ ઘર પણ ખખડાવીને ખાત્રી કરતાં!

તસ્વીરમાં વિગતો જણાવતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા તથા પકડાયેલી ત્રિપુટી અને મુદ્દામાલ જોઇ શકાય છે

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય તસ્કર ત્રિપુટીના ત્રણ શખ્સો મધ્યપ્રદેશ ઇન્દોરના જગદીશઅંગા પ્રભુલાલ ઠાકુર (ઉ.૪૯), પ્રકાશ ઉર્ફ કાળુ દેવીપ્રસાદ કુશવાહા (ઉ.૪૨) અને સંજય ઉર્ફ હેમંત રમેશભાઇ ઓલી (ઉ.૫૦)ને દબોચી લેતાં આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, લીંબડી, વાપી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, દાહોદ, ગોધરા, સુરત સહિતના શહેરમાં થયેલી ઘરફોડી અને વાહન ચોરીના ભેદ ખુલ્યા છે. આ ત્રિપુટી પાસેથી વાહનો, રોકડ, દાગીના મળી રૂ. ૩.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. રવિરાજસિંહ પરમાર અને યોગીરાજસિંહ જાડેજાની સંયુકત બાતમી પરથી પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા તથા ટીમના એસ. કે. રબારી, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, હરદેવસિંહ જાડેજા, સોકતખાન ખોરમ અને અમિતભાઇ ટુંડીયાની ટીમે કુવાડવા રોડ પરથી આ ત્રણેયને પકડી લીધા હતાં. રાજકોટમાં કે આસપાસના ગામમાં ચોરીને અંજામ આપે એ પહેલા પકડી લેવાયા હતાં.

આ ત્રણ પૈકી જગદીશ અને સંજય અગાઉ ૨૦૧૭માં રાજકોટમાં તેના સાગ્રીત મહેશ તિવારી સાથે પકડાયા હતાં. ત્યારે રાજકોટ ઉપરાંત આણંદ, નડીયાદ, વડોદરાની ૧૦ ચોરી કબુલી હતી. સંજય ઓલી અગાઉ ૩૦૭ના ગુનામાં અમદાવાદ જેલમાં સજા પણ કાપી ચુકયો છે.  આ તસ્કર ત્રિપુટી જે શહેરમાં ચોરી કરવાની હોઇ તેની આજુબાજુના નાના ગામમાં ધર્મશાળા કે ગેસ્ટહાઉસમાં રોકાઇ જતાં હતાં અને બાદમાં માત્ર દિવસના સમયે જ બંધ મકાનમાં ત્રાટકી હાથફેરો કરતાં હતાં. દિવસે જ શા માટે ચોરી કરતાં? તેની પાછળ પણ રસપ્રદ વિગતો બહાર આવી છે. આ તસ્કરોએ કહ્યું હતું કે રાત્રે જો ચોરી કરવા જાય તો કૂતરા ભસે અને કોઇ લોકો જાગી જાય તો સીધા જ ચોર-ચોરની બૂમો પાડવા માંડે તેથી જોખમ ઉભુ થઇ શકે. દિવસના સમયે કૂતરા પણ ન ભસે અને કોઇ ચોર પણ સમજે નહિ આથી કામ સરળ થઇ જતું.

જે તે શેરીમાં જઇ પહેલા કોઇની પણ નેમ પ્લેટ વાંચી લેતાં હતાં. બાદમાં આગળ જ્યાં બંધ મકાન દેખાય ત્યાં કોઇ નથી તેની ખાત્રી કર્યા બાદ તાળુ તોડી ત્રણેય ઘુસી જતાં હતાં. બંધ મકાન હોય અને તાળુ દેખાય તો પણ ડેલી ખખડાવતાં હતાં! કારણ કે ઘણીવાર આવા તાળાવાળા મકાનમાં પણ લોકોની હાજરી હોય છે. ઘણા ઘરમાં વૃધ્ધો અંદર હોય છે અથવા બાળકો હોય છે. જો આવા ઘરમાં ડેલી ખખડાવાતાં બારીમાંથી કોઇ પુછે તો અગાઉ જેની નેમપ્લેટ વાંચી હોય તેનું સરનામુ પુછી ત્યાંથી નીકળી જતાં હતાં. જો અંદરથી કોઇ જવાબ ન આપે તો ઘરમાં કોઇ જ નથી તેની પાક્કી ખાત્રી કરી ત્રાટકી જતાં હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા અને તેની ટીમે આ ડિટેકશન કર્યુ હતું. હાલ ત્રિપુટીનો કબ્જો સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

એક મકાનમાંથી ડ્રાઇવીંગ લાયસન્સ મળતાં ઘરધણી હેરાન ન થાય એ માટે પોસ્ટથી પાછુ મોકલી દીધું હતું!

આ ચોર પાછી માનવતા પણ દાખવતાં હતાં!...સંજય, પ્રકાશ અને સાગ્રીત મહેશે અગાઉ જુન મહિનામાં નવસારીની સ્નેહ સાગર સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી રોકડ-દાગીનાની ચોરી કરી હતી. જેમાં એક પર્સમાંથી ઘરધણીનું ડ્રાઇવીંગ લાયસન્સ પણ મળ્યું હતું. ત્યારે આ તસ્કરોએ ઘરધણી નવું લાયસન્સ કઢાવવામાં હેરાન ન થાય એ હેતુથી આ લાયસન્સ તેના ઘરના સરનામે પોસ્ટથી પરત મોકલી આપ્યું હતું! (૧૪.૮)

(11:46 am IST)