Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રણુજા રાધેશ્યામ સોસાયટીમાંથી ૩ દિ' પહેલા ગૂમ જયેશભાઇ પટેલની પારડીના કૂવામાંથી લાશ મળી

કૂવા નજીકથી બાઇક પણ મળ્યું: આપઘાત કર્યાની શંકાઃ કમાણી પરિવારમાં શોકની કાલીમાઃ શાપર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૨૬: શાપર વેરાવળના પારડી ગામે કૂવામાંથી પુરૂષની લાશ મળી આવતાં શાપર પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ લાશ રાજકોટ કોઠારીયા રણુજા મંદિર પાછળ રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં પટેલ યુવાનની હોવાનું અને ત્રણ દિવસ પહેલા તે કામે જવાનું કહીને નીકળ્યા બાદ ગાયબ થઇ ગયા હતાં. તેણે અકળ કારણોસર આપઘાત કર્યાનું હાલ પોલીસનું માનવું છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ તપાસ કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ પારડીમાં આવેલી ચંદ્રકાંતભાઇ પટેલની વાડીના કૂવામાં એક પુરૂષની લાશ ઉંધી હાલતમાં તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ અને શાપર પોલીસ મથકના હેડકોન્સ. નોૈશાદભાઇ ચોૈહાણ તથા અનિરૂધ્ધસિંહે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહ બહાર કાઢીને તપાસ કરતાં મૃતક પાસેથી મોબાઇલ ફોન મળ્યો હતો. તેમજ અમુક નંબરો મળ્યા હતાં. તેના આધારે તપાસ થતાં આ લાશ રાજકોટ રણુજા મંદિર પાછળ રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં જયેશભાઇ મોહનભાઇ કમાણી (પટેલ) (ઉ.વ.૩૬)ની હોવાનું ખુલ્યું હતું. હેડકોન્સ. નોૈશાદભાઇના કહેવા મુજબ મૃતકનું બાઇક પણ કૂવા નજીકથી મળ્યું છે.

તેમના પિતાએ મૃતદેહ ઓળખી બતાવ્યો છે. ત્રણ દિવસ પહેલા કામે જવાનું કહીને બાઇક લઇને નીકળ્યા બાદ ગૂમ થતાં પરિવારજનોએ શોધખોળ બાદ પોલીસ મથકમાં ગૂમની નોંધ કરાવી હતી. દરમિયાન આજે જયેશભાઇની કૂવામાંથી લાશ મળી આવતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તે કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. બનાવ આપઘાતનો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. વિશેષ તપાસ થઇ રહી છે. ફાયર બ્રિગેડના પરબતભાઇ સહિતના સ્ટાફે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપ્યો હતો.

(3:07 pm IST)