Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'કયાર' અતિ તીવ્ર બન્યુઃ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં માવઠાનું જોખમ યથાવત

વાવાઝોડુ ટર્ન મારી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે : ૨૦૦ કિ.મી. ઝડપે તોફાની પવન ફૂંકાશે : તા.૩૧ સુધી છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે : અશોકભાઇ પટેલ

રાજકોટ, તા. ૨૬ : અરબી સમુદ્રનું વાવાઝોડુ અતિ તિવ્ર બન્યુ છે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તા.૩૧ ઓકટોબર સુધી માવઠાનું જોખમ યથાવત હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

વાવાઝોડુ મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં પરિવર્તિત થવાની શકયતા હતી તે અનુસંધાને આ સિસ્ટમ્સ 'કયાર' વાવાઝોડામાં પરિવર્તિત થઈ મજબૂત બની છે. પહેલા આ સિસ્ટમ્સ પૂર્વ તરફ ગતિ કરતી હતી તે ગઈકાલે ટર્ન મારી આજથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હાલનું લોકેશન ૧૬.૭ નોર્થ અને ૬૯.૯ ઇસ્ટ જે વેરાવળથી મુખ્યત્વે દક્ષિણે ૪૫૦ કિ.મી. અને દક્ષિણ કોંકણના દરિયાકિનારાથી ૩૨૫ કિ.મી. પશ્ચિમે છે. હાલમાં આ વાવાઝોડુ અતિ તિવ્ર બન્યુ છે. હાલમાં પવનની ગતિ ૧૩૫ થી ૧૪૫ કિ.મી. અને ઝાટકાના પવન ૧૬૦ કિ.મી. (હવામાન ખાતા મુજબ) ફૂંકાઈ રહ્યા છે. આવતીકાલ સવાર પહેલા આ વાવાઝોડુ અતિ તીવ્ર બની જશે ત્યારે પવનની ગતિ ૧૭૦ થી ૧૮૦ કિ.મી. અને ઝાટકાના પવન ૨૦૦ કિ.મી.ના ફૂંકાશે.

હાલમાં હવામાન ખાતા મુજબ આ સિસ્ટમ્સ ઓમાન તરફ ગતિ કરે છે તેમ છતાં એક નોંધ પણ કરેલ છે કે ચોથા - પાંચમા દિવસે વિવિધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે મતમતાંતર છે જેથી હાલનું તારણ વિવિધ મલ્ટી મોડલની સરેરાશ મુજબ આપવામાં આવેલ છે.

અશોકભાઈ પટેલ કહે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં અવાર-નવાર વાદળો બન્યા કરે છે તેમજ આવતા દિવસોમાં તા.૩૧ ઓકટોબર સુધીમાં છુટાછવાયા વિસ્તારોમાં માવઠાના સંજોગો યથાવત છે. ત્યારબાદ પણ ત્રણેક દિવસ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(2:00 pm IST)