Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પીરવાડી નજીક સ્વાતિ પાર્ક પાસે 'હિટ એન્ડ રન': દરજી પ્રોૈઢ અશ્વિનભાઇ ગોહેલનું મોત

રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં રહેતાં પ્રોૈઢ જુનાગઢ વતન જવા નીકળ્યા ને 'કાળ' ભેટી ગયો : ખિસ્સામાંથી મળેલી ટેલિફોનની ડાયરીને આધારે અશ્વિનભાઇ ગોહેલની ઓળખ થઇ શકી હતી

રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ પર પીરવાડીથી આગળ સ્વાતિ પાર્ક મેઇન રોડ પર સવારના પ્હોરમાં 'હિટ એન્ડ રન'ની ઘટનામાં રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતાં દરજી પ્રોૈઢનું મોત નિપજતાં પરિવારજનોની તહેવારની ખુશી માતમમાં પરિણમી છે. સવારે આ પ્રોૈઢ પોતાના વતન જુનાગઢ તરફ જવા માટે ઘરેથી નીકળ્યા હતાં અને રસ્તામાં કાળ ભેટી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે સ્વાતિ પાર્ક મેઇન રોડ પર કોઇ અજાણ્યા વાહનનો ચાલક એક વ્યકિતને ઠોકરે લઇ ભાગી જતાં આ વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. બી. વાઘેલા અને હેમતભાઇ તળાવીયાએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક અજાણ્યા પુરૂષ પાસેથી મળેલી ડાયરીમાં કેટલાક મોબાઇલ નંબર લખ્યા હોઇ તેમાં કોન્ટેકટ કરતાં મૃતકની ઓળખ શકય બની હતી. તેઓ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતાં અશ્વિનભાઇ દુર્લભજીભાઇ ગોહેલ (દરજી) (ઉ.વ.૪૫) હોવાનું ખુલ્યું હતું.

કાળનો કોળીયો બનેલા અશ્વિનભાઇ  દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રજામાં તેઓ પોતાના વતન જુનાગઢ જવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતાં. ગોંડલ રોડ ચોકડીએથી વાહન પકડે એ પહેલા અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે ચડાવી ભાગી જતાં કાળ ભેટી ગયો હતો. તહેવારના દિવસોમાં આ ઘટનાથી પરિવારજનોની ખુશી શોકમાં પરિણમી છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકને શોધવા સીસીટીવી કેમેરા ચેક કરવા તજવીજ હાથ ધરી છે.

(1:23 pm IST)