Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

માનસિક અસ્વસ્થ બાબરીયા કોલોનીના કુલસુમબેન વિછીનું ટ્રેનની ઠોકરે મોત

ઘરેથી નીકળી ગયા બાદ અટિકા ફાટક પાસે બનાવઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૬: બાબરીયા કોલોનીના મુસ્લિમ મહિલાનું અટિકા ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે.  અજાણ્યા મહિલા કપાઇ જતાં લોકોના ટોળા ભેગા થઇ જતાં તે વખતે ત્યાં રિક્ષા લઇને ઉભેલા તેના સગામાં થતાં યુવાન જોવા જતાં તે ઓળખી જતાં સારવાર માટે દવાખાને ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

અજાણ્યા મહિલા અટિકા ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. તે વખતે રિક્ષાચાલક અલ્તાફભાઇ ત્યાં ઉભા હોઇ તે પણ શું થયું? તે જોવા જતાં ઠોકરે ચડેલા મહિલા પોતાના જ સગા બાબરીયા કોલોની-૪માં રહેતાં કુલસુમબેન રફિકભાઇ વિછી (ઉ.૪૫) હોવાની ખબર પડતાં તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ તેમનું મોત નિપજ્યું હતું.

માલવીયાનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ ખાચર અને રવિરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ ટ્રેકટરના ફેરા કરે છે. કુલસુમબેનને માનસિક તકલીફ હોઇ ઘરેથી નીકળી ગયા બાદ આ બનાવ બન્યો હતો.

મિનાક્ષી સોસાયટીમાં બેભાન થયા બાદ મનોજભાઇ પટેલનું મોત

કોઠારીયા રોડ પર નંદા હોલ પાછળ મિનાક્ષી સોસાયટીમાં રહેતાં મનોજભાઇ મગનભાઇ કકાસણીયા (ઉ.૪૪) નામના પટેલ યુવાનને લિવર-કિડનીની બિમારી હોઇ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેઓ કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં.

આજી વસાહત ખોડિયાર નગરના નટુભા જાડેજાનું બેભાન હાલતમાં મોત

અન્ય બનાવમાં આજી વસાહત ખોડિયારનગરમાં રહેતાં નટુભા દેવુભા જોડેજા (ઉ.૪૫)ને કેન્સરની બિમારી હોઇ  ઘરે સવારે ચારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર ત્રણ બહેન અને ચાર ભાઇમાં બીજા હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:20 pm IST)