Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રેલનગરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૩૬૦ બોટલ દારૂ ભરેલી કાર જપ્ત

જીજે૧૦એસી-૦૭૦૧ નંબરની ગાડી મુકી ચાલક ભાગી ગયોઃ ૪.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે : હેડકોન્સ. જે. પી. મેવાડા, કોન્સ. કરણ મારૂ અને સંજય ચાવડાની બાતમી

રાજકોટ તા. ૨૬: તહેવારો દરમિયાન નાના-મોટા બૂટલેગરો બેફામ બન્યા છે. પોલીસની સતત ધોંસને કારણે જો કે પ્યાસીઓને બાટલીઓ શોધવામાં તકલીફ પડી રહી છે. વધુ એક દરોડામાં ક્રાઇમ બ્રાંચે રેલનગર વિસ્તારની લોર્ડસ ક્રિષ્ના સોસાયટી-૩ નજીક દરોડો પાડતાં જીજે૧૦એસી-૦૭૦૧ નંબરની ટોયોટા કોરોલા કંપનીની કાર મુકી ચાલક ભાગી ગયો હતો. આ કારમાંથી રૂ. ૧,૬૧,૧૦૦નો ૩૬૦ બોટલ દારૂ મળતાં તે તથા કાર મળી કુલ રૂ. ૪,૧૧,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કારના માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જે. પી. મેવાડા, કોન્સ. કરણભાઇ મારૂ અને સંજયભાઇ ચાવડાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે પોલીસ પહોંચતા ચાલક કાર મુકી ભાગી ગયો હતો. જેમાંથી રોયલ ચેલેન્જ બ્રાન્ડની ૧૫ પેટી તથા મેકડોવેલ્સ નંબર ૧ની ૧૫ પેટી મળી કુલ ૩૬૦ બોટલો મળતાં કબ્જે કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એચ. સરવૈયાની સુચના તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, હેડકોન્સ. જે. પી. મેવાડા, ભરતભાઇ, જયંતિભાઇ ગોહિલ, કરણભાઇ મારૂ, સંજયભાઇ ચાવડા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. તસ્વીરમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ જોગરાણા અને ટીમ તથા કબ્જે થયેલો દારૂ અને કાર જોઇ શકાય છે.

(1:19 pm IST)