Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગાંધીજીના જન્મદિને રાષ્ટ્રીય શાળામાં રેટીયા બારસની ઉજવણી

આજે તિથિ પ્રમાણે પૂ. બાપુનો જન્મ દિવસઃ પેટી રેટીયા તથા અંબર ચરખાનું નિદર્શનઃ કાંતણ સ્પર્ધા યોજાઈઃ મહાત્માના પ્રિય ભજનોના સૂર રેલાયાઃ દેવેન્દ્રભાઈ દેસાઈ તથા જવલંત છાયાએ ગાંધીજીના સદ્ગુણો વાગોળ્યા

ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે ભાદરવા મહિનાની વદ બારસે દેશમાં રેંટીયા બારસ તરીકે ઉજવણી કરી ગાંધીવાદી સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમો સાદગી પૂર્ણ યોજાય છે. ર ઓકટોબરે દેશભરમાં મેગા કાર્યક્રમો થતા હોય છે. આજે રેટીયા બારસ નિમિતે મહાત્મા ગાંધીજીના જીવનના અનેક યાદગાર સંસ્મરણો જયાં આજે પણ યથાવત છે તેવી સંસ્થા રાષ્ટ્રીય શાળા ખાતે આજે રેટીયા બારસની ભાવપૂર્ણ ઉજવણી થઇ હતી. તે પ્રસંગની તસ્વીરોમાં કાર્યક્રમના અધ્યક્ષ દેન્દ્રભાઇ દેસાઇ, મનસુખભાઇ જોશી, જયંતીભાઇ કાલરીયા, ખોડલધામના નરેશભાઇ પટેલ, પૂર્વ વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, સંસ્થાના વ્યવસ્થાપક જીતુભાઇ ભટ્ટ, ધીરૂભાઇ ડોબરીયા, રાજુભાઇ પોબારૂ, મધુસુદનભાઇ દોંગા, જયવંતભાઇ છાયા, બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય, જયપાલસિંહ રાઠોડ, બક્ષીભાઇ વિગેરે નજરે પડે છે. નીચેની તસ્વીરમાં અંબર ચરખા સ્પર્ધાની છે. ઉપસ્થીત વિશાાળ સંખ્યામાં ગાંધી વિચારો સાથે સંકળાયેલ આગેવાનો, ભાઇઓ-બહેનો નજરે પડે છે. નીચેની અંતિમ તસ્વીરોમાં ખોડલધામના નરેશભાઇ પટેલ, જીવન બેંકના નરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અંબર ચરખાના સ્પર્ધકોનું બહુમાન કરાયુ તે પ્રસંગની છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ :. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના તિથિ પ્રમાણે જ આજે જન્મ દિવસે રાજકોટની ઐતિહાસિક ગાંધીવાદી સંસ્થા રાષ્ટ્રીય શાળા ખાતે રેટીયા બારસની સાદગીપૂર્ણ ઉજવણી થઈ હતી. રેટીયા બારસ નિમિતે પેટી રેટીયા તથા અંબર ચરખા દ્વારા સુતરની આંટી કાંતવામાં આવી હતી.

રાજકોટમાં પૂ. ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાં રચનાત્મક પ્રવૃતિઓ ઉપરાંત ખાદીના ઉત્પાદન પ્રવૃતિને પણ આજે જીવંત રાખવામાં આવી છે.

આજે દેશભરમાં ગાંધી સંસ્થાઓ દ્વારા અત્યંત સાદગીપૂર્ણ રીતે રેટીયા બારસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ ખાતે પણ પ્રખર ગાંધીવાદી દેવેન્દ્રભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉજવણી કાર્યક્રમ તથા કાંતણ સ્પર્ધા યોજવામાં આવી હતી.

રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ ખાતેના કાર્યક્રમમાં પ્રારંભે પૂ. બાપુને ગમતા ભજનો ગવાયા હતા. અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈ, જવલંતભાઈ છાયા સહિતના મહાનુભાવોએ ગાંધી જીવનની યાદગાર ક્ષણો તથા આજના યુગમાં ગાંધી વિચારના મહત્વ અંગે ઉદ્બોધન કર્યુ હતું.

આઝાદી પહેલા પૂ. ગાંધીજીએ દેશભરમાં ગરીબ લોકોની આજીવીકા માટે પેટી રેટીયા દ્વારા કાંતણની પ્રવૃતિ અંગે અભિયાન ચલાવ્યુ હતુ અને આ પ્રવૃતિ દ્વારા દેશની આઝાદી માટેની પ્રવૃતિને પણ વેગ આપ્યો હતો.

રેટીયા બારસ નિમિતે રાષ્ટ્રીય શાળાના મધ્યક્ષ ખંડમાં અંબર ચરખા દ્વારા કાંતણની સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. આ સ્પર્ધામાં વિજેતા થનારને રૂ. ૨૫૦૦, ૧૦૦૦ તથા રૂ. ૫૦૦ના પુરસ્કાર ઉપરના શિલ્ડ પણ અપાશે.ઙ્ગ

રાષ્ટ્રીય શાળા ખાતેના આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈ, મનસુખભાઈ જોશી, જયંતિભાઈ કાલરીયા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, જીવન બેંકના મેનેજીંગ ડીરેકટર નરેન્દ્રસિંહ જાડેજા, વેપારી અગ્રણી રાજુભાઈ પોબારૂ, જવલંતભાઈ છાયા, જયેશભાઈ ઉપાધ્યાય, પ્રિન્સીપાલ સ્મિતાબેન ઝાલા, ધીરૂભાઈ ડોબરીયા, જયપાલસિંહ રાઠોડ, દિપેશ બક્ષી, વયોવૃદ્ધ ગાંધીવાદી વિચારને વરેલા મહાનુભાવો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન પલ્લવીબેને કર્યુ હતું.

(11:38 am IST)