Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજકોટ જિલ્લાના ૭૪ ગામોમાં ૧૦૦ ટકા કોરોના રસીકરણ થયું : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૭૪ ટકા લોકો પ્રથમ ડોઝથી રક્ષિત

રાજકોટ :રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના પ્રતિરોધક રસી માટે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના ૭૪ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.
   રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ ૧૧,૬૪,૩૭૬ લોકો રસીકરણ માટે પાત્રતા ધરાવે છે. જેમાં પ્રથમ ડોઝ ફ્રન્ટ લાઇન વર્કર ૨૦૧૩૨, હેલ્થ વર્કર ૧૧૬૯૮, તેમજ ૧૮ થી ૪૪ વર્ષના ૪,૫૫,૫૨૩ તથા ૪૫ થી ૬૦ વર્ષના ૨,૩૧,૫૩૮ અને ૬૦ વર્ષથી ઉપરના ૧,૫૦,૦૫૦ મળી કુલ ૮,૬૮,૯૪૧લોકોને આપવામાં આવતા ૭૪ ટકા સિધ્ધી હાંસલ થઇ છે. આ ઉપરાંત ૨,૩૨,૯૪૨ લોકોને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે.
  રાજકોટ જિલ્લાના વ્યાપારી-ઔદ્યોગિક વિસ્તારોમાં કેમ્પ કરીને પણ વેક્સિનેશન કરવામાં આવેલ છે. જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોરોના વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે.

(8:33 pm IST)