Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

વોંકળા બચાવવામાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા જેવો તાલ : કોંગ્રેસ

રાજકોટ તા. ૨૬ : મ્યુ. કમિશ્નર અને મહાનગરપાલીકાના અધિકારીઓ દ્વારા વોકળા ડીમાર્કેશન કરવાની કામગીરીની કરાયેલ જાહેરાત ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી હોવાનું શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી રમેશભાઇ તલાટીયા, લોક સંસદ વિચાર મંચના ધીરૂભાઇ ભરવાડ, ચંદ્રેશ રાઠોડ, સરલાબેન પાટડીયા, હિતાક્ષીબેન વડોદરીયાએ એક સંયુકત યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે એક સમયે શહેરમાં વરસાદી પાણીના નીકાલ માટે વોંકળાની અતિ સુંદર વ્યવસ્થા હતી. ૨૯ થી વધુ વોંકળા મારફત વરસાદી પાણી નદીમાં જતુ રહેતુ હતુ. પરંતુ રાજકીય દોરી સંચાર અને ભુમાફીયાઓ સાથે અધિકારીઓ પદાધિકારીઓની સાંઠગાંઠથી વોંકળાઓ વેંચાય ગયા અને આવી જમીનો પર આલીશાન બીલ્ડીંગો ખડકાય ગયા. પરિણામે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અવરોધાય છે. આમ વોંકળા અંગેનો રીપોર્ટ માંગવાની વાત હવે હાસ્યાસ્પદ હોવાનું અંતમાં શ્રી ઝાલા, શ્રી તલાટીયા અને શ્રી ભરવાડે જણાવ્યુ છે. (૧૬.૭)

(4:28 pm IST)