Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રેપ પીડિત દિવ્યાંગ મહિલાની કલેકટર સમક્ષ આપવિતી : અરૂણ મહેશબાબુના ધડાધડ નિર્ણયો

ગ્રાઉન્ડ ફલોર ઉપર જ દિવ્યાંગ દંપતિને સાંભળ્યાઃ DPO-મહિલા બાળ વિકાસ અધિકારી-મહિલા પોલીસને રૂબરૂ બોલાવ્યા... : દંપતિ પાસે રજૂઆતનો આખો સેટ માંગ્યોઃ ર૦૧૪માં ઘટના બની હતીઃ આરોપી જીલ્લા શિક્ષક સંઘનો પ્રમુખઃ આણંદપર-નવાગામની શાળા નં. ૧ માં બનાવ બનેલ...

રાજકોટ તા. ર૬: રાજકોટના કોઠારીયા રોડ-ગોકૂલ પાર્ક શેરી નં. ૧, રણુજા મંદિર પાસે રહેતા અશ્વિનભાઇ આલોદરીયા (દિવ્યાંગ) અને તેમના દિવ્યાંગ દંપતિ એક મહત્વના ગંભીર કેસ અંગે આજે કલેકટર કચેરીએ આવ્યા હતા, તેઓ ગ્રાઉન્ડ ફલોર ઉપર હતા ત્યારે જ કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ આવી પહોંચતા આ દિવ્યાંગ દંપતિને કલેકટરે ગ્રાઉન્ડ ફલોર ઉપર જ સાંભળ્યા હતા, રજૂઆત કરનાર મહિલા (નામ લખેલ નથી) ઉપર આ મહિલાએ કલેકટર સમક્ષ પોતાની આપવિતી વર્ણવી હતી, જે સાંભળી કલેકટર દ્રવી ઉઠયા હતા અને કલેકટર અરૂણ મહેશબાબુએ પત્રકારોની હાજરીમાંજ ધડાધડ નિર્ણયો લીધા હતા, આ મહિલાએ પોતાની ઉપર આરોપી રતુભાઇ રાયધન ચાવડાએ રેપ-જાતીય સતામણી-ર૦૧૪ માં આણંદપર-નવાગામ શાળા નં. ૧ ખાતે કર્યાની, તે અંગે પોલીસ ફરિયાદ કર્યાની અને અહિં રાજકોટની કોર્ટમાં આરોપીને જામીન નહિ મળતા, હાઇકોર્ટમાં ગયાની અને ત્યાંથી હાલ રાજકોટની કોર્ટમાં કેસ ચાલી રહ્યાની વિગતો જણાવી હતી. મહિલાએ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં, ડીડીઓ સમક્ષ, તથા અન્યો સ્થળે આરોપી વિરૂધ્ધ રજુઆતો કરવા છતાં પગલા નહિં લેવાતા, ઉપરોકત સ્કૂલના પ્રિન્સીપાલ વિરૂધ્ધ કોઇ પગલા નહિ લેવાતા હોવાની, ર૦૧૪ની ઘટનાની ર૦ર૦-ર૧ સુધી કોઇ નિર્ણય નહિં આવ્યાની, જીલ્લા કલેકટર-ડીડીઓને ર૦૧પમાં રજૂઆતો છતાં પગલા નહિં લેવાયાની, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવને રજુઆતો કર્યાની, અને બળાત્કારના ગુન્હામાં જેલ હવાલે ગયેલ આરોપીને ફરી વખત નોકરીમાં ઉપરોકત સ્કૂલમાં જ લેવાયાની પણ રજુઆતો કરી હતી.

કલેકટરે તમામ વિગતો-રજૂઆતો સાંભળ્યા બાદ આ પીડિત મહિલા અને તેમના પતિ પાસે રજૂઆતો અંગેનો આખો સેટ માંગ્યો હતો, તેમજ સ્થળ ઉપર જ ધડાધડ નિર્ણય લઇ ડીપીઓ, મહિલા બાળ વિકાસ અધીકારી, જીલ્લા મહિલા પોલીસ અધીકારીને રૂબરૂ બોલાવ્યા હતા, જીલ્લાના ડીવાયએસપી લેવલના અધીકારી તપાસ કરે તેવી પણ સુચના આપી હતી.

કલેકટરે ગ્રાઉન્ડ ફલોર ઉપર જ દંપતિને સાંભળવાનું શરૂ કરી દેતા તેમના પીએ કોટકભાઇ તથા અન્યોમાં દોડધામ થઇ પડી હતી, દિવ્યાંગ દંપતિએ આરોપીને તેની મૂળ જગ્યાએ જ મૂકી દેવાયો તે અંગે તથા ખાતાકીય તપાસની માંગણી કરી હતી અને રાજકોટની કોર્ટમાં કેસ ચાલી રહ્યાનું, તથા ધાકધમકી-શિક્ષક સંઘનો પ્રમુખ આરોપી હોવાનું જણાવ્યું હતું.

  • દિવ્યાંગ દંપતિ કલેકટર કચેરીમાં આવ્યા ત્યારે કોઇએ વ્હીલચેરની સુવિધા નહીં આપતા અરૂણ મહેશબાબુ ઉકળી ઉઠયા

આજે રાજકોટમાં રહેતું દિવ્યાંગ દંપતિ પોતાને થયેલ અન્યાય અંગે કલેકટર કચેરીમાં રજૂઆત કરવા આવી પહોંચ્યું, અને તેજ સમયે કલેકટર આવી પહોંચતા તેઓ દિવ્યાંગ દંપતિની હાલત જોઇ ચોંકી ઉઠયા હતા અને ઉપસ્થિત સિકયુરીટી-પટ્ટાવાળા તથા અન્ય સ્ટાફનો ભારે ઉધડો લીધો હતો... વ્હીલચેર હોવા છતાં કેમ નથી આપી કહી તમામને બરાબર ખખડાવ્યા હતા અને નોકરીમાંથી રવાના કરી દેવા સુધીની ચેતવણી આપી હતીઃ કોઇપણ દિવ્યાંગ રજુઆત કરવા આવે ત્યારે વ્હીલચેર સહિતની તમામ સુવિધા આપવા અને અહિં મેળા જેવું વાતાવરણ ઉભું નહિં કરવા પણ ટકોર કરી હતી. 

(3:44 pm IST)