Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પુરવઠાના સર્વરમાં ૬ દિ'થી ધાંધીયાઃ રેશનીંગ દુકાનદારો ઉકળી ઉઠયાઃ રાજકોટ સહિત રાજયભરમાં આ સ્થિતિ...

દુકાનો ઉપર માલ છે પણ સર્વર ઠપ્પ અથવા તો ૩૦ મીનીટે એક કાર્ડ હોલ્ડરનો વારો આવે છે... : તહેવારો ટાંકણે જ ઘઉં-ચોખા-તેલ-ખાંડ નહિ મળ્યાની ઢગલાબંધ ફરીયાદોઃ ભારે દેકારો...

રાજકોટ તા. ર૬ :.. સાતમ-આઠમના તહેવારો નજીક છે. આમ, તો આવી ગયા છે, શરૂ થઇ ગયા છે, પરંતુ રાજકોટ સહિત રાજયભરમાં સસ્તા અનાજની દુકાનો ઉપર છેલ્લા ૬ દિવસથી સર્વર ઠપ્પ અને ધાંધીયા કરતું હોય રાજકોટ શહેર-જીલ્લા સહિત રાજયભરમાં હજારો બીપીએલ-અત્યોંદય અને એનએફએસએ હોલ્ડરોને સાતમ-આઠમનાં ઘઉં અથવા ચોખા કે ખાંડ કે તેલ કે તુવેરવળનો પુરવઠો નહી મળતા દેકારો મચી ગયો છે, કાર્ડ હોલ્ડરો અને રેશનીંગ દુકાનદારો વચ્ચે અનેક સ્થળે ભારે ઝઘડા - ઘષર્ણ થતા હોવાની રાવ ડીએસઓ સમક્ષ થઇ છે.

રેશનીંગ દૂકાનદાર એસો.ના શ્રી માવજીભાઇ રાખશીયાએ 'અકિલા' ને જણાવેલ કે છેલ્લા પ થી ૬ દિ'થી સર્વર ધાંધીયા કરી રહ્યું છે, પરીણામે દૂકાનો ઉપર માલ છે છતાં આપી શકાતો નથી, આજે પણ સર્વર સાવ ધીમૂ ચાલી રહ્યું છે, માંડ ૩૦ મીનીટે એક કાર્ડ હોલ્ડરનો વારો આવે છે, અનેક ઠેકાણે ઘઉં પૂરતા પહોંચ્યા નથી, તો કયાંક ચોખા પુરતા આવ્યા નથી, ખાંડ તો આવી જ નથી, આવી ઢગલાબંધ ફરીયાદો છે... તેમણે જણાવેલ કે રાજયના પુરવઠા તંત્રે સર્વર અંગે અગાઉથી જાહેરાત કરવી જોઇએ, મેઇનટેનન્સ અંગે જાણ કરી યોગ્ય કર્યુ હોય તો આ પ્રશ્ન ઉભો ન થાત... દરમિયાન ડીએસઓ શ્રી વિરેન્દ્ર દેસાઇએ 'અકિલા' ને જણાવેલ કે આજે સર્વરનો પ્રશ્ન હલ છે, કોઇ કોઇ દુકાનમાં પ્રોબ્લેમ છે, અમે ઉપર ધ્યાન દોર્યુ છે, રહી ગયા હશે તેમને પુરવઠા તંત્ર, સુચના અપાશે તો દિવસો વધારી માલ-પુરવઠો અપાશે.

(3:14 pm IST)