Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

બોગસ ડીગ્રી સર્ટીફીકેટના આંતરરાજ્ય કૌભાંડમાં સૌ. યુનિ.ના સેકશન ઓફિસર સામેની કાર્યવાહી ઉપર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે

એમ.વી.કડવાતર વિરૂધ્ધની ફરિયાદના સંદર્ભે કોર્ટ - પોલીસ કાર્યવાહી સ્થગિત કરવા આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્ય રાજયોની યુનિવર્સિટીની બોગસ માર્કશીટો તથા બોગસ દસ્તાવેજો રજુ કરી અલગ અલગ હોમીયોપેથીક કોલેજમાં એડમીશન મેળવી લેવાના આંતર રાજય કૌભાંડની ફરીયાદના કામે યુનિવર્સિટીના સેકશન ઓફિસર દ્રારા પોતાની સામેની ફરીયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરાતા હાઈકોર્ટે સેકશન ઓફીસર સામેની સમગ્ર પોલીસ તપાસ તથા કોર્ટ કાર્યવાહી સ્થગીત કરવા આદેશ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ શ્રી કે.એમ. પાઠક દ્વારા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી એવો આક્ષેપ કરવામાં આવેલ કે ફરીયાદમાં જણાવેલ ૪૪ આરોપીઓએ પુર્વાયોજીત કાવત્રુ રચી અલગ અલગ સમયે ગુજરાત બહારની કોલેજના વિદ્યાર્થીઓની ખોટી માર્કશીટ , માઈગ્રેશન સર્ટીફીકેટ તથા સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમીયોપેથીના ખોટા સર્ટીફીકેટો બનાવી તે સર્ટીફીકેટોને સાચા તરીકે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં રજૂ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રોવીઝનલ એલીજીબીલીટી સર્ટીફીકેટો મેળવેલા અને તે એલીજીબીલીટી સર્ટીફીકેટોના આધારે રાજકોટની બી.જે. ડાંગર હોમીયોપેથી કોલેજ સહીત વિવિધ કોલેજોમાં હોમીયોપેથી ડોકટર બનવા માટેના કોર્ષમાં એડમીશન મેળવી લીધેલ. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી ડો. અમિતાભ જોષી તથા ડો. જુનેદ કાદરી સહીતના અનેક આરોપીઓને પોલીસે ધરપકડ કરેલ. તપાસના મુળ સુધી પહોંચતા પોલીસ દ્વારા યુનિવર્સિટીના કર્મચારીઓની સંડોવણી હોવાનું દર્શાવી એફ.આઈ.આર.માં આરોપી તરીકે દર્શાવેલ ન હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેકશન ઓફીસર એમ.વી. કડવાતરને નાસતા ફરતા આરોપી તરીકે દર્શાવતા પોલીસ ગમે તે ક્ષણે તેમની ખોટી રીતે ધરપકડ કરે તેમ લાગતાં અરજદાર એમ.વી.કડવાતર સેકશન ઓફીસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાઓએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાંથી આગોતરા જામીન મેળવેલ હતા તેમજ સેકશન ઓફીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીઓ યુનિવર્સિટીના નિતીનીયમો અને ધારાધોરણ મુજબ કરવામાં આવેલ હોય પોલીસ દ્વારા કોઈ અગમ્ય કારણોસર તપાસમાં અરજદારનું નામ ખોલેલ હોય અરજદાર દ્રારા પોતાના સામેની પોલીસ ફરીયાદ તથા સંલગીત કોર્ટ કાર્યવાહીઓ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલ હતી.

અરજદાર તરફે થયેલ દલીલો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એલીજીબીલીટી સર્ટીફીકેટ આપવા માટેના નિયમો તથા પેટા નિયમો સંદર્ભે રજુઆતો તેમજ યુનિવર્સિટીના ઓર્ડીનન્સ અને હોમીયોપેથી કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા સમયે કરવાની રહેતી કાર્યવાહીઓ સંદર્ભે રહેલી જોગવાઈઓને ઘ્યાને લઈને અદાલતને ફરીયાદ રદ કરવા યોગ્યનું પ્રથમ દર્શનીય રીતે જણાતા અરજદાર એમ.વી. કડવાતર સામેની ફરીયાદ શા કારણથી રદ ન કરવી તેવી કારણદર્શક નોટીસ રાજકોટ પોલીસને ફટકારેલ અને સાથોસાથ ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ અરજી રદ કરવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી અરજદાર સામેની પોલીસ તપાસ, કોર્ટ કાર્યવાહી તથા આનુસાંગીક તમામ કાર્યવાહીઓ સ્થગીત કરતો આદેશ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી એમ.વી.કડવાતર વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, પ્રતીક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધરાંગીયા રોકાયેલ છે.

(3:04 pm IST)