Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

નંદુબાગ, ગંગોત્રીપાર્ક, કુમકુમપાર્ક અને પરસાણાનગરમાં જુગારના દરોડાઃ ૨૨ પત્તા ટીંચતા ઝડપાયા

ક્રાઈમ બ્રાંચ, યુનિવર્સિટી, પ્ર.નગર અને આજીડેમ પોલીસના દરોડાઃ ૯૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા. ૨૬ :. શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે જુગારના પાંચ દરોડા પાડી મકાનમાંથી ૨૨ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે. નંદુબાગ સોસાયટી, ગંગોત્રીપાર્કના એપાર્ટમેન્ટમાં, કુમકુમપાર્ક અને પરસાણાનગરમાં મકાનમાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર નંદુબાગમાં આવેલા મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની ક્રાઈમ બ્રાંચના કોન્સ. મહેશભાઈ ચાવડા તથા શકિતસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે નંદુબાગ શેરી નં. ૪માં રહેતા અજય દિલીપભાઈ રાદડીયાના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક અન્ય રાદડીયા તથા પેડક રોડ વૃંદાવન સોસાયટીના અજય મનજીભાઈ ઉધાડ, સંત કબીર રોડ ન્યુ ગાંધી સોસાયટી-૨ના જીતેન્દ્ર ઈશ્વરભાઈ પરમાર, મૂળ થાન હાલ મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે રહેતા પ્રશાંત ભરતભાઈ જાદવ, સંત કબીર રોડ ન્યુ શકિત સોસાયટી-૧ના રક્ષીત જગદીશભાઈ પઢેરીયા, ન્યુ ગાંધી સોસાયટી શેરી નં. ૨ના ધર્મેશ વિરેન્દ્રભાઈ સોલંકી અને રાજારામ સોસાયટી શેરી નં. ૩ના જય રણછોડભાઈ પઢેરીયાને પકડી લઈ રૂ. ૬૦,૨૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જે. જાડેજા, એએસઆઈ જયેશભાઈ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. ભરતસિંહ પરમાર, મહેશભાઈ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઈ ભાદરકા તથા કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

ગંગોત્રીપાર્કમાં ફલેટમાંથી છ શખ્સો પકડાયા

યુનિવર્સિટી રોડ પંચાયતનગર ગંગોત્રીપાર્ક મેઈન રોડ પર આવેલ શિલ્પન ઓનેકસ એપાર્ટમેન્ટના ફલેટમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જી. ડાંગર, હેડ કોન્સ. એચ.જે. જાડેજા, બલભદ્રસિંહ, જેન્તીગીરી, રાવતભાઈ ડાંગર, રાજેશભાઈ મીયાત્રા, મેહુલસિંહ તથા બ્રીજરાજસિંહ સહિતે શિલ્પન એપાર્ટમેન્ટ એ-૨ વીંગ ફલેટ નં. ૭૦૩માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા નિરંજનભાઈ મોહનલાલભાઈ ધાનક, ફલેટ નં. ૬૦૨ના વિરેન્દ્ર ચંદુભાઈ સાંગાણી, પાટીદાર ચોક, સ્વાગત રેસીડેન્સી ફલેટ નં. ૩૩ના જતીન દેવરાજભાઈ ફેફર સહિત છ શખ્સોને પકડી લઈ રૂ. ૧૮૯૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલા તથા કોન્સ. બલભદ્રસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે વિમલનગર મેઈન રોડ પર કુમકુમપાર્ક શેરી નં. ૨ બ્લોક નં. ૧૩માં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી મકાન માલિક હંસાબેન મનસુખભારથી ગૌસ્વામી, યુનિવર્સિટી રોડ રવિરત્ન ચોક શ્રી માં એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧ના સુધાબેન અશ્વિનભાઈ સભાયા, કુમકુમપાર્ક શેરી નં. ૨ બ્લોક નં. ૨૩ના સરોજબેન મુકેશભાઈ કપુરીયા અને મોટામવા જાગનાથ પ્લોટ આંગન રેસીડેન્સી પાછળ રહેતા ભૂમિકાબેન વિઠ્ઠલભાઈ ઘોડાસરાને તીનપત્તીનો જુગાર રમતા પકડી લઈ રૂ. ૪૫૯૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જી. ડાંગરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પરસાણાનગરમાંથી ચાર ઝડપાયા

પરસાણાનગર શેરી નં. ૧૩માં રેલ્વેના ટાંકા પાસે રહેતા મનીષાબેન ભરતભાઈ વાઘેલાના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. પટેલ તથા હેડ કોન્સ. દેવશીભાઈ, અક્ષયભાઈ ડાંગર તથા મહાવીરસિંહ જાડેજા સહિતે મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક મનીષાબેન વાઘેલા, જામનગર રોડ સ્લમ કવાર્ટર મફતીયાપરાના શારદાબેન પ્રેમજીભાઈ લઢેર, રૂખડીયાપરા પાણીના ટાંકા પાસે રહેતા મેહુલ ઉર્ફે રાહુલ કાનજીભાઈ મકવાણા તથા પોપટપરા મેઈન રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં. ૫ના પ્રજ્ઞેશ હરીભાઈ પરમારને પકડી લઈ રૂ. ૬૨૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જુગાર રમતા ધર્મેશ પકડાયો

કોઠારીયા સોલવન્ટ હુસેની ચોક પાસે બસ સ્ટેશન પાસે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. આઈ.જી. જાડેજા થા કોન્સ. શૈલેષભાઈ નેચડા સહિતે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ધર્મેશ ઉર્ફે ધમો બીપીનભાઈ પરમાર (રહે. કોઠારીયા સોલવન્ટ હરીદ્વાર સોસાયટી-૧ શેરી નં. ૩માં ભાડે)ને પકડી લઈ રૂ. ૮૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:02 pm IST)