Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

આગામી ૧૧ સપ્ટેમ્બરે રાજકોટ જીલ્લા અને તાલુકા કક્ષાએ લોક-અદાલતનું આયોજન

રાજકોટ તા. ર૬: ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તારીખઃ ૧૧-૦૯-ર૦ર૧ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (ર) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણાના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (પ) લગ્ન વિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદનને લગતા કેસો (૮) ઇલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઇ દેસાઇ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઇનો વિજય નહીં તેમજ કોઇનો પરાજય નહીં તેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તારીખ ૧૧-૦૯-ર૦ર૧ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ પોતાના વકીલશ્રી મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી સદર લોક-અદાલતનો મહત્તમ લાભ લઇ વધુને વધુ કેસો લોક-અદાલતમાં મુકાવી, લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે. 

(3:00 pm IST)