Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

લ્યો હવે આ બાકી હતું!: 'લૂટેરે' નામની વ્હીસ્કી આવીઃ પોલીસે રાજુને ૧૪૦ 'ચપલા' સાથે પકડ્યો

ક્રાઇમ બ્રાંચના અમિતભાઇ અને નગીનભાઇની બાતમી પરથી લક્ષ્મીનગરના હીરાઘસુ શખ્સને અલગ-અલગ બ્રાન્ડના દારૂના ચપલા સાથે પકડી લેવાયો

રાજકોટ તા. ૨૬: તહેવારો ટાણે વિદેશી દારૂના નાના મોટા છુટક જથ્થાબંધ ધંધાર્થીઓ મેદાનમાં આવી જતાં હોય છે. પોલીસ પણ સામે એલર્ટ થઇ આવા ધંધાર્થીઓને પકડવાની કામગીરી વધારી  દે છે. તહેવાર ઉપર મોટે ભાગે દારૂની અછત રહેતી હોય છે ત્યારે ગમે તેવી નામ પણ ન સાંભળ્યું હોય એવી બ્રાન્ડની બોટલો, ચપલા પણ ચપોચપ માંગ્યા ભાવે વેંચાઇ જતાં હોય છે. શહેર ક્રાઇમ બ્રાંચે લક્ષ્મીનગર-૪માં ભાડાના મકાનમાં રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં રાજુ નથુભાઇ રેવર (ગુર્જર રાજપૂત) (ઉ.વ.૪૫)ને વ્હીસ્કીના રૂ.૧૪ હજારના ૧૪૦ 'ચપલા' સાથે દબોચ્યો છે. જેમાં ત્રણ અલગ અલગ બ્રાન્ડ સાથે એક 'લૂટેરે' નામની બ્રાન્ડ પણ છે!

ડીસીબીના અમિતભાઇ અગ્રાવત અને નગીનભાઇ ડાંગરની બાતમી પરથી રાજુને લક્ષ્મીનગર-૪માંથી દારૂના ચપલા સાથે પકડી લેવાયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા,  મયુરભાઇ, અમિતભાઇ, સિધ્ધરાજસિંહ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, સંજયભાઇ અને પ્રદિપસિંહે આ કામગીરી કરી હતી.

(11:46 am IST)