Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આજથી રાજકોટમાં રાતના ૯ સુધી દૂકાનો - રેસ્ટોરન્ટ્સ ખુલ્લા રાખી શકાશેઃ કર્ફયુ રાત્રે ૧૦થી : મનોજ અગ્રવાલ

સરકારની નવી માર્ગદર્શિકાને આધારે શહેર પોલીસ કમિશનરે આપ્યું નવું જાહેરનામુઃ અનેક છૂટછાટ, પણ નિયમોનું પાલન નહિ થાય તો કડક કાર્યવાહીઃ કોરોના વેકસીન બાકી હોય તેણે ઝડપથી લઇ લેવા અનુરોધ : બાગ બગીચાઓમાં પણ રાતે ૯ સુધી મ્હાલી શકશે નગરજનોઃ સિનેમા હોલ, ઓડિટોરીયમ, મનોરંજક સ્થળો ૫૦ ટકા કેપેસીટી સાથે ખુલ્લા રાખી શકાશેઃ જીમ ૬૦ ટકા લોકોની ક્ષમતા સાથે ખોલી શકાશે : શહેરીજનોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડક પાલન કરવા પણ સુચન : પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રાખી શકાશેઃ તેને કફર્યુમાંથી પણ મુકિત : શૈક્ષણીક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), વોટરપાર્ક, સ્પા અને સ્વિમિંગ પૂલ હજુ બંધ જ રહેશે : રાજકોટ પોલીસે સુપર સ્પ્રેડરને વેકસીન અપાવવામાં ખુબ સારી કામગીરી કરી છેઃ હવે જે દૂકાનદારો બાકી છે તેને વેકસીન લેવામાં પોલીસ મદદ કરશેઃ મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૨૬: રાજ્ય સરકારે કોરોના સંદર્ભે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અગાઉના જાહેરનામામાં સુધારો કરી નવું જાહેરનામુ આપ્યું છે. એ મુજબ હવે આજથી રાજકોટ શહેરના તમામ દૂકાનદારો સવારના ૯ થી રાત્રીના ૯ સુધી દૂકાનો ખુલી રાખી શકશે. તેમજ કર્ફયુમાં પણ મુદ્દત વધારવામાં આવી હોઇ તે મુજબ આજ રાતના ૧૦:૦૦ વાગ્યા સુધી લોકો ઘર બહાર રહી શકશે, પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજીયાત હશે. શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટ પર હવે ૫૦ને બદલે ૬૦ ટકાની કેપેસીટી સાથે ખુલ્લા રાખી શકાશે.   સિનેમા હોલ, ઓડિટોરીયમ, મનોરંજક સ્થળો પણ ૫૦ ટકા કેપેસીટી સાથે ખોલી શકાશે. પરંતુ કોરોના હજુ ગયો ન હોઇ નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેમજ વેકસીનેશનને પણ અગ્રતાક્રમ આપવો પડશે.

પોલીસ કમિશનરશ્રીએ એમ પણ કહ્યું છે કે રાજકોટ પોલીસે સુપર સ્પ્રેડરના  વેકસીનેશન માટે ખુબ નોંધપાત્ર કામગીરી કરી છે. હવે પછી શહેર પોલીસ જે દૂકાનદારો અને ત્યાં કામ કરતાં કર્મચારીઓને કોરોનાની વેકસીન બાકી હશે તેના વેકસીનેશન માટે પણ પોલીસ સંપુર્ણ મદદ કરશે. નવા જાહેરનામા મુજબ શું શું છૂટછાટ મળી છે અને કેવા નિયમો પાળવાના છે તેની માહિતી શ્રી અગ્રવાલે આપી છે, જે આ મુજબ છે.

રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા દરમિયાન લોકોએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહીં, રખડવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહી.

 તમામ દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૦૯:૦૦થી રાત્રીના ૯:૦૦ સુધી ખુલ્લા રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ તા.૩૦/૦૬ સુધીમાં વૈકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજયીક એકમોચાલુ રાખી શકાશે નહી.)

 રેસ્ટોરેન્ટ્સ પણ રાત્રીના ૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦ ટકા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે S.O.Pને આધીન ચાલુ રાખી શકાશે. ઉપરાંત રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨:૦૦ સુધી હોમ ડિલીવરી (Home Delivery)ની સુવિધા ચાલુ રાખી શકાશે.

 જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે.

જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯:૦૦ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ (સો) લોકોની મંજૂરી અપાઇ છે, લગ્ન PORTAL પર નોંધણી કરવાની રહેશે.

અંતિમ ક્રીયા/દફન વિધીમાં ૪૦ (ચાલીસ) વ્યકિતઆ સામેલ થઇ શકશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધીન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતું બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૨૦૦ વ્યકિતઓની મર્યાદામાં) લોકો એકત્રિત થઈ શકશે.

IELTS તથા TOEFE જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P સાથે યોજી શકાશે.

વાંચનાલયો ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે  ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦/૦૬ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ  લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં.)

પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. પબ્લીક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યુમાંથી મુકિત આપવામાં આવે છે. (પરંતુ તમામ ડ્રાઈવર અને કંડકટરોએ ૩૦/૦૬ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે)

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.( રમતગમતમાંભાગ લેનાર ખેલાડી, સ્પોર્ટસ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ૩૦/૦૬ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેઇ લેવો ફરજીયાત છે)

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હૉલ, મનોરંજક સ્થળો,મહત્તમ ૫૦ ટકા કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦ જુન સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે)

શૈક્ષણીક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

૩૦ જુન સુધીમાં જેને ફરજીયાત વેકસીન લેવાની છે તે પૈકીના કોઇપણ વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોઇ તેવા કિસ્સાઓમાં ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/હોસ્પીટલમાંથી  રજા આપ્યાની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે.

તમામ લોકોએ ફેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અમલવારી સમય

આ જાહેરનામા હુકમનો અમલ તા. ૨૬/૦૬/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ થી તા. ૧૦/૦૭/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ સુધી કરવાનો રહેશે. તેમ વધુમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

  • રેસ્ટોરન્ટ્સ-દૂકાનો-સંસ્થાઓ સહિતના માલિકો-કર્મચારીઓ ૩૦ જુન સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ નહિ લે તો દૂકાનો-સંસ્થાઓ બંધ કરાવાશે

તમામ રેસ્ટોરન્ટ્સ, દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૦૯:૦૦થી રાત્રીના ૯:૦૦ સુધી ખુલ્લા રાખી શકાશે. પરંતુ આ તમામના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ તા.૩૦/૦૬ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજયીક એકમો ચાલુ રાખી શકાશે નહિ. તેમ વધુમાં શ્રીઅગ્રવાલે જણાવ્યું છે.

(12:05 pm IST)