Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

૧૫૦ રીંગ રોડ પર કારમાં આગ ભભૂકી

દવાના વેપારી કિશનભાઇ ઠક્કર, તેમના માતા અને બનેવી સમયસર બહાર નીકળી જતાં જાનહાની ટળીઃ લોકોના ટોળેટોળાઃ ફાયર બ્રિગેડની ટીમે તત્કાલ પહોંચી આગ કાબૂમાં લીધી

રાજકોટઃ ગત રાતે ઇન્દિરા સર્કલના ઓવરબ્રિજ ઉપર એક કારમાં ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સરકિટને કારણે આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડે પહોંચી આગ કાબુમાં લીધી હતી. બનાવને પગલે ટ્રાકિફ અટકાવવો પડ્યો હતો. ત્યાં આજે બપોરે વધુ એક કાર સળગી ઉઠી હતી. ૧૫૦ રીંગ રોડ પર માધાપર ચોકડી નજીક ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાસે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અંદર બેઠેલા લોકો બહાર સમય સુચકતા વાપરી બહાર નીકળી જતાં જાનહાની ટળી હતી. બનાવ સ્થળે લોકો એકઠા થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ થતાં તાકીદે જવાનો પહોંચ્યા હતાં અને આગ કાબૂમાં લીધી હતી. તસ્વીરમાં સળગતી કાર અને આગ બુઝાવવાની કાર્યવાહી કરી રહેલો ફાયર બ્રિગેડનો સ્ટાફ જોઇ શકાય છે. કાર નં. જીજે૫પીકે-૭૬૨૨માં અયોધ્યા ચોક દ્વારકેશ પાર્કમાં રહેતાં દવાના વેપારી કિશનભાઇ હિમ્મતભાઇ ઠક્કર તથા તેમના માતા અને બનેવી બેઠા હતાં. સ્ટીયરીંગ પાસેથી ધુમાડા નીકળવા માંડતા કિશનભાઇએ કાર ઉભી રાખી દીધી હતી અને ત્રણેય સમયસર બહાર નીકળી ગયા હતાં. સીએનજી કાર હતી, પરંતુ તેમાં કોઇ પ્રોબ્લેમ થયો નહોતો. સ્ટીયરીંગ પાસે શોર્ટ સરકિટ થતાં આગ લાગ્યાનું તારણ છે.

(3:34 pm IST)