Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૨૦ મીટરની બેગમાં તમારું કુરિયર આવ્યું છે, તિરૂપતી બાલાજીના દર્શન તુરંત કરાવી દેવાશે...કહી સાયબર ફ્રોડ

સાયબર ક્રાઇમ પોલીસ અને ગાંધીગ્રામ પોલીસે છેતરાયેલા પાંચ લોકોને રકમ પરત અપાવીઃ અન્ય ત્રણ કિસ્સામાં રોકાણમાં ફાયદાના નામે અને ક્રેડિટ કાર્ડના નામે ઠગાઇ થઇ હતીઃ ત્રણ દિવસમાં ૧૪ને નાણા પરત મળ્યા : ગૂગલ સર્ચ કરી ફોન નંબર મેળવી તિરૂપતી બાલાજીના દર્શનનું બૂકીંગ નાણા ચુકવીને કરાવ્યું હતું: ત્યાં પહોંચ્યા ત્યારે દર્શન કરાવનારું કોઇ નહોતું!

રાજકોટ તા. ૨૬: સાયબર ક્રાઇમની દુનિયામાં ગઠીયાઓ રોજેરોજ નવા નુસ્ખાં અજમાવીને લોકોને છેતરતાં રહે છે. શહેર સાયબર ક્રાઇમ પોલીસ પાસે રોજ આવી અરજી-ફરિયાદો આવતી રહે છે. જેમાં અવનવા નુસ્ખાઓનો ઉપયોગ કરી લોકોને છેતરી લેવાયા હોય છે. સાયબર ક્રાઇમ પોલીસે આ રીતે ફ્રોડનો ભોગ બનેલા લોકોને તેની રકમ પરત અપાવવાની કામગીરી પર ભાર મુકયો છે. સતત ત્રીજા દિવસે વધુ ચાર લોકોને ગુમાવેલી રકમ પરત અપાવી છે. એક કિસ્સામાં ગાંધીગ્રામ પોલીસે પણ રકમ પાછી અપાવી છે. એક વ્યકિતને ગઠીયાએ કુરિયર કર્મચારીના નામે ફોન કરી '૨૦ મીટરની બેગમાં તમારું પાર્સલ આવ્યું છે' તેમ કહી લિંક મોકલી ઠગાઇ કરી લીધી હતી. તો એક કિસ્સામાં તિરૂપતિ બાલાજીના દર્શન ઝડપથી કરાવી દેવાના બહાને ઠગાઇ થઇ હતી.

શહેરના નિલેશ રાજશેભાઇ લકુમ નામના વ્યકિતને એક કુરિયર કંપનીના કર્મચારીના નામે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારું પાર્સલ આવ્યું છે જે ૨૦ મીટરના બોકસમાં પેક છે! અરજદારે આવડુ મોટુ પાર્સલ કોણે મોકલ્યું હશે? એ વિચારી તેને હસ્તગત કરવા તૈયારી બતાવતાં ફોન કરનારે રિમોટ એકસેસ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂા. ૬નું ટ્રાન્જેશન કરાવડાવી બાદમાં યુપીઆઇ પીન નંબર મેળવી લઇ રૂા. ૬૭૯૦૦ ઉપાડી લીધા હતાં. સાયબર ક્રાઇમ પોલીસે આ રકમ પરત અપાવી છે.

બીજા કિસ્સામાં તુષાર પ્રકાશભાઇ પંડ્યા નામના બેંક કર્મચારીને તિરૂપતી બાલાજીના દર્શન કરવા જવું હોઇ તેણે ત્યાં ગયા પછી બહુ લાંબી કતારોમાં ઉભવું ન પડે તે માટેની કોઇ વ્યવસ્થા હોય છે કે કેમ? તે ચકાસવા ગૂગલમાં સર્ચ કરતાં ફોન નંબર મળ્યા હતાં. તેમાં ફોન કરતાં સામેવાળી વ્યકિતએ તમે આવશો એ સાથે જ દર્શન કરવાની વ્યવસ્થા થઇ જશે તેમ જણાવી રૂા. ૩૨ હજાર ઓનલાઇન મેળવી લીધા હતાં. પણ બાદમાં અરજદાર દર્શન કરવા માટે તિરૂપતી બાલાજી પહોંચ્યા ત્યારે ત્યાં કોઇ તેમને ઝડપથી દર્શન કરાવવા માટે લઇ જનારું ન મળતાં ઠગાઇ થયાની ખબર પડતાં રાજકોટ આવી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા આ રકમ પરત અપાવી હતી.

ત્રીજા કિસ્સામાં હાર્દિક પ્રકાશભાઇ વેગડ નામના યુવાનને એકસીસ બેંક ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટના કર્મચારીની ઓળખ આપી ગઠીયાએ ફોન કરી ફિલપકાર્ટ એકસીસ ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ પોઇન્ટના રૂા. ૧૦૮૨૧ કેસબેક-રિડીમ કરી ક્રેડીટ કાર્ડ એકટીવ કરવા માટેની પ્રોસેસના નામે ગૂગલ પર જઇ લિંક ઓપન કરાવડાવી રૂા. ૯૯૨૪૧નું ફ્રોડ કર્યુ હતું. આ રકમમાંથી ૯૮૦૦૦ પરત અપાવાયા છે. સાયબર પોલીસે સામેવાળાનું બેંક એકાઉન્ટ સીઝ કરાવી કોર્ટમાં અરજી કરાવડાવી કોર્ટના હુકમથી આ રકમ પાછી અપાવી છે.

ચોથા બનાવમાં રતિલાલ મકવાણા નામના વ્યકિતને મોબાઇલમાં ટેકસ મેસેજ આવ્યો હોઇ જે ક્રેડિટ કાર્ડને લગતો હોઇ તેને છેતરીને અલગ અલગ ટ્રાન્જેકશન કરી રૂા. ૧,૨૦,૦૦૦ ઉપાડી લેવાયા હતાં. આ રકમ ટેકનીકલ એનાલિસીસથી પરત અપાવાઇ છે.

પાંચમા કિસ્સામાં કિશન નટવરલાલ આકોલાને ટેલિગ્રામના માધ્યમથી મેસેજ કરી ઇન્વેસ્ટ કરવાથી મોટો ફાયદો થશે તેવી વાત કરી અલગ અલગ સ્કીમો બતાવી તેની પાસેથી રૂા. ૫૪,૪૦૮ ટ્રાન્સફર કરાવડાવી ઠગાઇ કરવામાં આવી હતી. તેણે હેલ્પલાઇન નંબર-૧૯૩૦ ઉપર ફોન કરતાં સામાવાળાનું એકાઉન્ટ સીઝ કરાવી આ રકમ તેને પરત અપાવાઇ છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી સાયબર ક્રાઇમશ્રી વિશાલ રબારી તથા ટીમના પીઆઇ એમ. એ. ઝણકાત, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. ભાવેશભાઇ સિરોડીયા, હેડકોન્સ. હરિભાઇ સોંદરવા અને અલ્પાબેન ડાંગરે આ કામગીરી કરી હતી. ત્રણ દિવસમાં ૧૪ લોકોને સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા પરત મળ્યા છે.

તેમજ એક બનાવમાં ગાંધીગ્રામ ં પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ જે. જી. રાણા, કોન્સ. કિંજલબેન ચોૈહાણે કામગીરી કરી હતી. (૧૪.૯)

એસીપી વિશાલ રબારી કહે છે-બેંકો કદી ઓનલાઇન માહિતી માંગતી નથી, સાયબર ક્રાઇમ થાય તો હેલ્પલાઇન નંબર ૧૯૩૦નો સંપર્ક કરો

સાયબર ક્રાઇમથી બચવા માટે લોકોને જાગૃત થવા એસીપી વિશાલ રબારીએ અનુરોધ કર્યો છે. કોઇપણ બેંક કદી ઓનલાઇન માહિતી માંગતી નથી, માહિતી આપવાની હોય તો રૂબરૂ બેંક પર જવું, ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તો-૧૯૩૦ નંબર ઉપર સંપર્ક કરવો,

(4:09 pm IST)